દેવનારના કચરાનો નિકાલ કરવો કૉન્ટ્રેક્ટર માટે પણ માથાનો દુખાવો પાલિકા બિડ લંબાવે એવી શકયતા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વર્ષોથી જમા થયેલા કચરાનો નિકાલ કરવો કૉન્ટ્રેક્રો માટે પણ માથાનો દુખાવો સાબિત થવાનો છે. પાલિકાએ બહાર પાડેલા ટેન્ડર માટે અનેક બિડરો આગળ આવ્યા છે પણ ઓછા સમયમાં કચરાના ઢગલાનો નિકાલ કરવામાં અનેક અડચણોને આવવાની હોવાથી બીડ કરનારા કૉન્ટ્રેક્ટરોને પાલિકા સમક્ષ અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. તેથી પાલિકા હવે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવે એવી શક્યતા છે.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરા નિકાલ માટે પાલિકાએ ૨૩મેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના ટેન્ડર માટે યોજેલી પ્રી-બિડ મીટિંગમાં લગભગ ૨૧ કંપનીઓ અને ક્ધસલન્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. બિડ પહેલાની બેઠક દરમ્યાન સંભવિત બિડરોએ અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી, જેમાં મુખ્યત્વે તેમને પ્રક્રિયા કરેલા કચરાને જમા કરવા માટે વધારાની જમીન ઉપલબ્ધ થવા બાબતે ચિંતા થઈ રહી છે. અનેક બિડરોએ ત્રણ વર્ષની સમયમર્યાદામાં આટલો મોટો કચરાનો જથ્થો સાફ કરવુું પ્રત્યક્ષ રીતે શક્ય ન હોવાની રજૂઆત પણ કરી હોવાનું કહેવાય છે.
તેમ જ રાજ્ય સરકાર પાસેથી પર્યાવરણીય મંજૂરીઓ અને કોસ્ટર રેગ્યુલેશન ઝોનની મંજૂરીઓ મેળવવા માટેની પ્રક્રિયાઓ બાબતે પણ બિડરોને સ્પષ્ટતા માગી હતી. આ પ્રોજેક્ટમાં રહેલી જટિલતાને ધ્યાનમાં રાખીને બિડરોએ ટેન્ડરના દસ્તાવેજોનો સંપૂર્ણ અભ્યાસ કરવા માટે વધારાનો સમય પણ માંગ્યો છે. બીડ સબમીટ કરવા માટે ૩ જૂનની મુદત છે, પણ તે હવે લંબાવવામાં આવે એવી શક્યતા હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના સૌથી જૂના અને સૌથી મોટા ડમ્પિંગ ગ્રાઉન્ડમાનું એક દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૨૭થી કાર્યરત છે અને કચરાના ઢગલાથી ભરેલું છે. ૧૨૦ હેકટરમાં ફેલાયેલા ડમ્પિંગની જમીનમાં રહેલા કચરાને હટાવવામાં અનેક પર્યાવરણીય પડકારો છે. પાલિકાએ ૧૪ મેના રોજ દેવનાર ખાતે કચરાના કિનાલ માટે ટેન્ડર બહાર પાડયું હતું. આ યોજનામાં લગભગ ૧૮૫ લાખ ટન કચરો સાફ કરવાનો છે, જેમાં દરરોજ ૨,૩૦૦ ટન કચરો દૂર કરવા માટે ૧,૨૦૦ વાહનોનો ઉપયોગ કરવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો કરવાની સમયમર્યાદા છે.
આપણ વાંચો : પાલિકાને પ્રશ્ન: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નિકાલ કેમ કરવો?