ગુજરાતમાં 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ પડ્યો! જુઓ વરસાદી આંકડા…

ગાંધીનગરઃ ગુજરાતમાં મે મહિનામાં જ સારો એવો વરસાદ થઈ ગયો છે. છેલ્લા 125 વર્ષમાં ચોથી વખત ગુજરાતમાં મે મહિનામાં સૌથી વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં મે મહિનામાં સરેરાશ 2.9 મીમી વરસાદ થાય તો તે સારો વરસાદ કહેવાય, પરંતુ તેના સામે ગુજરાતમાં આ 30 દિવસમાં 55.9 મીમી એટલે કે, 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલે કે, અંદાજ કરતાં 19 ગણો વધુ વરસાદે છેલ્લા 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ છે. પરંતુ અત્યારે આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે, હજી ખેડૂતોને ઉનાળુ પાક લેવાનો બાકી છે.
125 વર્ષમાં 97 વખત મે મહિનામાં વરસાદ થયો
છેલ્લા 125 વર્ષમાં પડેલા વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, 1933માં 79.4 મીમી પડ્યો હતો, 1917માં 76.2 મીમી અને 1994માં 75.6 મીમી વરસાદ થયો હતો. તે ત્રણ વર્ષ પછી ફરી 2025માં ચોથો સૌથી વધુ વરસાદ થયો છે. આ છેલ્લા 125 વર્ષમાં 97 વખત મે મહિનામાં વરસાદ થયો છે. જ્યારે 28 વખત મે મહિનો કોરો રહ્યો હતો. આ વર્ષે ચોમાસુ પણ વહેલું આવે તેવું લાગી રહ્યું છે. 125 વર્ષમાં 21 વખત મહિનામાં 7 મીમીથી વધારે વરસાદ નોંધાયો હતો. આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદ પ્રમાણમાં પડી શકે તેવી સંભાવનાઓ છે.
ગુજરાતમાં ક્યા ક્યા જિલ્લામાં વરસાદ નોંધાયો
જિલ્લાઓની વાત કરવામાં આવે તો, કચ્છ, દાહોદ , મહીસાગર, બોટાદ અને મોરબીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ, અમરેલી, ભરૂચ, વલસાડ અને આણંદમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. મૂળ વાત એ છે કે, ગુજરાતના મોટા ભાગ જિલ્લામાં વરસાદ થયો છે. આ દરેક જિલ્લાઓમાં અંદાજ કરતા પણ વધારે વરસાદ થયો હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી રાજ્યના અનેક વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.