આમચી મુંબઈ

મની લોન્ડરિંગ કેસમાં હાઈ કોર્ટે આઈટી ટ્રિબ્યૂનલનો આદેશ રદ કર્યો

મુંબઈ: વ્યક્તિની વધારાની ‘બિનહિસાબી આવક’ કરપાત્ર ગણવાના ધ ઈન્કમ ટૅક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (મુંબઈ શાખા) ના આદેશને બોમ્બે હાઈ કોર્ટે રદ કર્યો છે. એક વ્યક્તિ પર શેરબજારમાં ગેરરીતિ આચરવા અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે પોતાના કાર્યક્ષેત્રને ઓળંગી આ ચુકાદો આપ્યો હોવાની ટિપ્પણી હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે.

શેરબજારમાં ચોક્કસ સ્ક્રિપના ભાવમાં હેરાફેરી કરવાનો તેમજ અન્ય રોકાણકારોને કરમુક્તિ મેળવી આપતી લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સની બનાવટી એન્ટ્રી કથિત સ્વરૂપે મેળવી આપવાના આરોપ ટૅક્સ નહીં ચુકવનારા નરેશ માણેકચંદ જૈન પર મુકવામાં આવ્યા છે. શ્રી જૈન પાસે ૯૦ કરોડની ‘બિનહિસાબી આવક’ મળી હોવાનું ટ્રિબ્યુનલની રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સોદાઓનો લાભ જે ત્રીસેક હજાર લોકોને મળ્યો છે એમના નામ પોતાને મળવા જોઈએ એવો આગ્રહ ટ્રિબ્યુનલ દ્વારા રાખવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલ દ્વારા આ આદેશ શ્રી જૈનને સુનાવણીની તક આપ્યા વિના જ આપવામાં આવ્યો હોવાના ટેક્નિકલ ધોરણે રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાઈ કોર્ટે એમ પણ જણાવ્યું છે કે ટ્રિબ્યુનલની સત્તા તેમની સમક્ષ કરવામાં આવેલી અપીલમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ પૂરતી સીમિત છે. હાઇ કોર્ટે મામલાની સુનાવણી નવેસરથી કરવા ટ્રિબ્યુનલને જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button