આમચી મુંબઈ

સેનેટ ચૂંટણીમાં નવેસરથી મતદાર નોંધણી

શિંદે યુવા સેનાને રાહત, ઠાકરે જૂથને આંચકો

મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી માટે નવેસરથી મતદાર નોંધણી કરવાનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના શિવસેના પક્ષની યુવા સેનાનો માર્ગ મોકળો થયો છે જ્યારે અગાઉ સર્વાધિક મતદાર નોંધણી કરનાર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની યુવા સેના માટે આ નિર્ણય આંચકો આપનારો માનવામાં આવે છે.

આ પૂર્વે શિંદે જૂથની યુવા સેનાએ ચૂંટણીમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો હતો. એ કારણસર તેમના તરફથી ગ્રેજ્યુએટ મતદારોની નોંધણી જ નહોતી કરવામાં આવી. જોકે, હવે નવેસરથી મતદાર નોંધણી કરવાનો મુંબઈ યુનિવર્સિટીનો નિર્ણય તેમની તરફેણમાં રહ્યો છે. આ પરિસ્થિતિમાં મતદાર નોંધણીમાં શિંદે જૂથની યુવા સેના જોરદાર તૈયારી સાથે ઉતરશે એવી માહિતી ખાતરીલાયક સૂત્રો દ્વારા મળી છે. મુંબઈ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર તળ મુંબઈ, મુંબઈ ઉપનગર, થાણા, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં છે. આ કારણસર મુંબઈ વિદ્યાપીઠની સેનેટ ચૂંટણીનો પ્રભાવ આગામી રાજકીય ઘટના તેમજ આગામી લોકસભાની ચૂંટણી પર પડવાની સંભાવના છે. આ વાતને ધ્યાનમાં લઈ સર્વ પ્રમુખ રાજકીય પક્ષના વિદ્યાર્થી સંઘોએ આ ચૂંટણી મહત્ત્વની બનાવી છે. પરિણામે આ ચૂંટણીમાં સારી એવી ચડસાચડસી થશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button