આમચી મુંબઈ

મુંબઈમાં ધીમા પગલે ઠંડીનું આગમન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા થોડા દિવસથી ઑક્ટોબર હીટનો આકરો અનુભવ કરી રહેલા મુંબઈગરાને ગુરુવારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન આકરી ગરમી અને ઉકળાટ કાયમ છે. હવામાન ખાતા કહેવા મુજબ હિમાલય તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે વહેલી સવારના ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું.

ચોમાસું પૂરું થયા બાદ મુંબઈગરા ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ૩૫થી ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાન પણ ઊંચું નોધાઈ રહ્યું હતું. આ દરમિયાન મુંબઈમાં ગુરુવારે સવારે લઘુતમ તાપમાનનો હળવો ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારના ઠંડા પવનો ફૂંકાતા લઘુતમ તાપમાનનો પારો ૨૨ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. જોકે ત્યારબાદ આખો દિવસ આકરી ગરમી રહી હતી અને મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર નોંધાયું હતું.

મુંબઈમાં ગુરુવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહ્યું હતું. મુંબઈની સાથે રાજ્યના પણ અનેક જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો. ઔરંગબાદમાં ૧૫ ડિગ્રી, જળગાંવમાં ૧૧ ડિગ્રી, મહાબળેશ્ર્વરમાં ૧૬.૨ ડિગ્રી, નાશિકમાં ૧૫.૩ ડિગ્રી, પુણેમાં ૧૭.૩ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈ સહિત રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. હાલ ઋતુનું પરિવર્તન થઈ રહ્યું છે અને પવનોની દિશા પણ નૈઋત્યને બદલે ઉત્તર-પૂર્વ-ઉત્તરની થઈ છે. એટલે કે હાલ હિમાલય તરફથી હળવા ઠંડો પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઈ રહ્યા હોવાથી વહેલી સવારના સમયમાં આછી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો ચોમાસું પૂરું થયું હોવાથી આકાશમાં વરસાદી વાદળો બનવાની પ્રક્રિયા પણ બંધ થઈ છે, તેથી બપોરે સૂર્યના આકરો કિરણોની અસરથી વાતાવરણમાં દિવસ દરમિયાન ગરમી પડી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button