આજથી ‘હાલાકી’ અપરંપાર પશ્ર્ચિમ રેલવેમાં રોજની ૨૫૦થી વધુ લોકલ કૅન્સલ
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે કામકાજ ચાલી રહ્યું છે, જેની લાંબા ગાળે ટ્રેનની મૂવમેન્ટથી લઈને નવી સર્વિસમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પંદરેક દિવસ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પશ્ર્ચિમ રેલવેમાં રોજની હજારથી વધુ લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ છઠ્ઠી લાઈનના કામકાજ માટે રોજની ૨૫૦થી ૩૫૦ ટ્રેન રદ કરવામાં આવશે, તેથી ટ્રેનો મોડી પડવા સાથે ગીચતા વધશે, એવું રેલવેએ સત્તાવાર જણાવ્યું હતું. પશ્ચિમ રેલવેના ચર્ચગેટથી વિરાર/દહાણુ કોરિડોરમાં રોજની ૧,૩૦૦થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, પરંતુ ખાર અને ગોરેગાંવની વચ્ચે ૮.૮ કિલોમીટરના કોરિડોરમાં નવી રેલવે લાઈન તૈયાર કરવાનું કામ આવતીકાલથી ચાલુ કરવામાં આવશે, જે પાંચમી નવેમ્બર સુધી ચાલુ રહેશે. દસ દિવસ દરમિયાન સરેરાશ ૨,૫૨૫થી વધુ ટ્રેન રદ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એનાઉન્સમેન્ટ સિસ્ટમ સુધારે નહીં તો મોટી દુર્ઘટના થશે
બ્લોક આવતીકાલથી શરુ થશે, પરંતુ એનાઉન્સમેન્ટની સિસ્ટમ હજુ રેઢિયાળ છે. ટ્રેન રદ કરવા મુદ્દે રેલવે હજુ પણ બેદરકારી દાખવે છે, જેથી હાલાકી પ્રવાસીઓને પડે છે. રદ થનારી ટ્રેનોનું રેગ્યુલર એનાઉન્સ કરે તો સિનિયર સિટિઝન સહિત વિદ્યાર્થી/મહિલાઓને હાલાકી પડે નહીં. બાકી રેલવે કહે છે રોજની ૨૫૦ ટ્રેન રદ થવાની જાહેરાત કરે છે, પણ જો એનાથી વધુ ટ્રેન રદ કરે તો કોને ખબર? ગમે ત્યારે ટ્રેન ટ્રેક પર ઊભી રાખવાની કોઈ જાહેરાત નહીં કરવાની તો પેક ટ્રેનમાં પ્રવાસીઓની હાલત કફોડી થાય. આ સિસ્ટમ સુધારવાનું જરુરી છે નહીં તો રેલવે સ્ટેશન હોય કે ટ્રેક પર મોટી દુર્ઘટનાનું નિર્માણ થઈ શકે છે, એમ બોરીવલીના રહેવાસી મહેશ પાંડેએ જણાવ્યું હતું.
પંદર દિવસ ટેક્સીવાળાને બખ્ખાં
પશ્ચિમ રેલવેમાં બ્લોકને કારણે મેટ્રોમાં ટ્રાવેલ કરનારાની સંખ્યા વધી શકે છે, જ્યારે ઓટોરિક્ષા, ટેક્સીમાં લોકો વધુ ટ્રાવેલ કરી શકે છે. આમ છતાં ટેક્સીચાલકો પ્રવાસીઓનો ગેરલાભ લઈને વધુ ભાડું વસૂલી શકે છે. આ ઉપરાંત, મોબાઈલ એપ્લિકેશન આધારિત ટેક્સીવાળા પણ આગામી દિવસોમાં ભાડાનો વધારો કરે તો નવાઈ નહીં. પીક અવર્સમાં લોકોને ટેક્સી મળશે કે કેમ એ સવાલ છે, એમ ટ્રાન્સપોર્ટ નિષ્ણાતે જણાવ્યું હતું.
પીક અવર્સમાં સૌથી વધુ મુશ્કેલી
છેલ્લા દસ દિવસમાં ૨૭ અને ૨૮મી ઓક્ટોબરના ૨૫૬-૨૫૬ ટ્રેન રદ રહેશે, જ્યારે રવિવારે ૨૯મી તારીખના ૨૩૦ (અપ એન્ડ ડાઉન) રદ થશે. ૩૦, ૩૧ અને પહેલી, બીજી અને ત્રીજી એમ પાંચ દિવસ ૩૧૬ ટ્રેન રદ રહેશે. આ ઉપરાંત, ચોથી નવેમ્બર અને પાંચમી નવેમ્બરના ૧૧૦ ટ્રેન રદ રહેશે. એસી અને નોન-એસી લોકલ ટ્રેન નિયમિત રીતે રદ થવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે, તેથી પ્રવાસીઓએ શક્ય એટલું પીક અવર્સમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડશે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
બેસ્ટ દોડાવશે વધુ બસ
૨૭મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર પશ્ચિમ રેલવેમાં બ્લોકને કારણે મુંબઈની બીજી લાઈફલાઈન એટલે બેસ્ટ પ્રશાસન દ્વારા વધુ બસની ફેરી દોડાવશે. ખાસ કરીને ગોરેગાંવથી સાંતાક્રુઝની વચ્ચે વધારે બસની સર્વિસ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, એસવી રોડ, લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર પણ વધુ બસો દોડાવવામાં આવશે, એમ બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું.