પ્રિયંકા ગાંધીને ચૂંટણી પંચે આ કારણસર મોકલી નોટિસ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલીને 30મી ઓક્ટોબરની સાંજ સુધીમાં નોટિસનો જવાબ આપવાનું જણાવ્યું હતું.
રાજસ્થાનના દૌસામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદીના મંદિરને આપેલા કવરમાંથી ફક્ત 21 રુપિયા મળ્યા હતા. આ 21 રુપિયાના કવરવાળી ટિપ્પણી મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રિયંકા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. લેખિત ફરિયાદમાં પ્રિયંકા ગાંધીના ભાષણના વીડિયોનો પણ સમાવેશ થાય છે.
ભાજપના પ્રતિનિધિમંડળે આ બાબત મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે અમે ચૂંટણી પંચને 20મી ઓક્ટોબરના કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીના ભાષણનું એક નિવેદન અને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો જણાવ્યું હતું. ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે શું પ્રિયંકા ગાંધી આચાર સંહિતાથી ઉપર છે. ધાર્મિક ભાવનાઓને લઈ તમે જુઠ્ઠાણુ ફેલાવી શકો નહીં. ધાર્મિક ભાવનાઓને લઈ તમે પ્રચાર કરી શકો નહીં.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તમે જોયું હશે. મેં ટીવી પર જોયું હતું કે જે સત્ય છે કે નહીં ખબર નથી. પીએમ મોદીએ દેવનારાયણજીના મંદિર ગયા હતા અને કવર નાખ્યું હતું. મેં ટીવી પર જોયું કે છ મહિના પછી પીએમ મોદીએ આપેલું એ કવર છ મહિના પછી જોયું તો તેમાંથી 21 રુપિયા નીકળ્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે એક રીતે આવું જ થઈ રહ્યું છે. સ્ટેજ પર ઊભા રહીને દેશમાં જાહેરાતો કરતી વખતે ઘણા કવર બતાવવામાં આવી રહ્યા છે અને જ્યારે તમે એ કવર ખોલો છો ત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ હોય છે.