ડોંબિવલીમાં 73 વર્ષની વૃદ્ધા સાથે લગ્નની લાલચે 62 વર્ષના વૃદ્ધે કરી 57 લાખની ઠગાઇ

થાણે: ડોંબિવલીમાં લગ્નની લાલચે 73 વર્ષની વૃદ્ધા સાથે 57 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ 63 વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરાયો હતો.
ડોંબિવલી વિસ્તારના નાના શંકરશેઠ માર્ગ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતી ફરિયાદી વૃદ્ધા અખબારમાં પ્રકાશિત લગ્નસંબંધી જાહેરાત મારફત 62 વર્ષના વૃદ્ધના સંપર્કમાં આવી હતી, એમ વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિવેક કુમુતકરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો
ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ વૃદ્ધે લગ્ન અને પુણેમાં શાંતિપૂર્ણ જીવનનું વચન આપ્યું હતું. દરમિયાન પુણેમાં પોતે ઘર ખરીદવા માગતો હોવાનું આરોપીએ જણાવી ફરિયાદીને 35 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મનાવી લીધી હતી. ફરિયાદીને ખાતરી આપવા માટે તેણે તેને બનાવટી રસીદો તથા મિલકતના દસ્તાવેજો દેખાડ્યા હતા.
ફરિયાદીના ઘરે થોડા સમય રહ્યા બાદ આરોપીએ 20 લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા. એ સિવાય તેણે ફરિયાદીનું ડેબિટ કાર્ડ પણ ચોરી લીધું હતું, જેનાથી તેણે 2.4 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, એમ ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.
આ પણ વાંચો: વસઇમાં ટ્રાવેલ કંપની ચલાવતી મહિલા સાથે 12 લાખ રૂપિયાની ઠગાઇ
ગયા મહિને ફરિયાદી સાથે છેતરપિંડી આચર્યા બાદ આરોપી ગાયબ થઇ ગયો હતો. પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ વિષ્ણુનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)