વૈભવ સૂર્યવંશી માટે દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ વોએ આપી સલાહ, નિયત્રંણ રાખવું પડશે

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં ધમાલ મચાવનારા 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની શાનદાર ટાઇમિંગની ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સ્ટીવ વોએ પ્રશંસા કરી હતી. વૈભવ રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. સ્ટીવ વોએ વૈભવને નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. સ્ટીવ વો નિયમિતપણે આઇપીએલની મેચ જોતા નથી પરંતુ તેમણે સૂર્યવંશીને એક શાનદાર ખેલાડી ગણાવ્યો અને કહ્યું કે તેણે પોતાના પગ જમીન પર રાખવા પડશે.
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી, જે ટુર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. સ્ટીવ વોએ કહ્યું, “14 વર્ષની ઉંમરે તેમના પર કોઈ દબાણ નથી. તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમી રહ્યો છે જે જોવામાં સારું લાગે છે. મને લાગે છે કે તેમના માટે પડકાર નિયંત્રણ જાળવી રાખવાનો રહેશે.”
સ્ટીવ વોનું માનવુ છે કે સૂર્યવંશી 16 વર્ષનો થાય તે પહેલાં કરોડપતિ બની જશે અને તેના પર અપેક્ષાઓનું ઘણું દબાણ હશે. શું તે એ જ ઉત્સાહથી રમી શકશે, એ જ સ્વતંત્રતા સાથે બેટિંગ કરી શકશે? આ એક પડકાર હશે.”
તેની પાસે કૌશલ્ય છે અને તે માનસિક રીતે મજબૂત છે. તમે ઇચ્છો છો કે તેના જેવો બેટ્સમેન સફળ થાય. આ ક્રિકેટ માટે એક મહાન વાત છે. હું આઈપીએલ બહુ જોતો નથી પણ જ્યારે આવો ખેલાડી આવે છે ત્યારે મને તે જોવાનું મન થાય છે.
ભારતમાં દરેક નવા બેટિંગ સ્ટારની સરખામણી સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે પરંતુ વોએ કહ્યું કે સૂર્યવંશી કે બીજા કોઈની સરખામણી તેની (સચિન તેંડુલકર) સાથે ન થવી જોઈએ કારણ કે તેંડુલકર જેવી પ્રતિભા વારંવાર આવતી નથી. 1991માં પર્થ અને 1992માં 18 વર્ષના તેંડુલકરની 114 રનની ઇનિંગ હજુ પણ યાદ છે. વોએ કહ્યું, “મને નથી લાગતું કે કોઈની સરખામણી સચિન તેંડુલકર સાથે થઈ શકે.”