એવરેસ્ટના બાદશાહઃ શેરપા ગાઇડે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ કર્યો

કાઠમંડુઃ પ્રખ્યાત નેપાળી શેરપા ગાઇડ કામી રીટાએ આજે ૩૧મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે વિશ્વના સૌથી ઊંચા પર્વત પર સૌથી સફળ ચઢાણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.
અભિયાનના આયોજક અને સેવન સમિટ ટ્રેક્સના પ્રમુખ મિંગમા શેરપાના જણાવ્યા અનુસાર ૫૫ વર્ષીય પર્વતારોહક સ્થિર હવામાન પરિસ્થિતિઓમાં સવારે ૪ વાગ્યે ૮,૮૪૯ મીટર ઊંચા શિખર પર પહોંચ્યા હતા. તેઓ લેફ્ટનન્ટ કર્નલ મનોજ જોશીના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાની એડવેંચર વિંગ એવરેસ્ટ અભિયાનની એક ટીમનું માર્ગદર્શન કરી રહ્યા હતા.
કાઠમંડુ પોસ્ટ અખબારે મિંગમાને ટાંકીને જણાવ્યું કે આ નવી સિદ્ધિ વિશ્વની ટોચ પર સૌથી વધુ ચઢાણ કરવાના રેકોર્ડ ધારક તરીકે તેમનું સ્થાન મજબૂત બનાવે છે. એક એવો રેકોર્ડ જેની નજીક કોઇ પહોંચી શક્યું નથી.
આ પણ વાંચો: બ્રિટિશ પર્વતારોહકે ૧૯મી વખત એવરેસ્ટ પર ચઢાણ કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો…
તેમણે કહ્યું કે શિખર પર પહોંચ્યા પછી કામી રીટા સુરક્ષિત અને સ્થિર છે. તેમણે ઉતરવાનું શરૂ કરી દીધું છે અને બેઝ કેમ્પ તરફ પાછા ફરી રહ્યા છે. હંમેશાની જેમ કામીએ પર્વત પર પોતાની અજોડ કુશળતા અને વ્યાવસાયિકતાનું પ્રદર્શન કર્યું છે. અમને તેની સિદ્ધિઓ અને તેના દ્વારા બનાવાઇ રહેલા વારસા પર ખૂબ ગર્વ છે.
છેલ્લા બે વર્ષમાં કામી રીટાએ દરેક સીઝનમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું છે. જેથી તેમના સફળ શિખરોની સંખ્યા ૩૦ થઇ ગઇ છે. સેવન સમિટ ટ્રેક્સના એક્સપિડિશન ડિરેક્ટર ચાંગ દાવા શેરપાએ જણાવ્યું કે કામી રીટાને નાનપણથી જ પર્વતારોહણનો ઊંડો શોખ હતો અને બે દાયકાથી વધુ સમયથી પર્વતો પર ચઢાણ કરી રહ્યા છે.