મુંબઈ મેટ્રોઃ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પ્રશાસને શું પગલાં લીધાં?
મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે પ્રશાસને કરી આ સ્પષ્ટતા

મુંબઈઃ મુંબઈમાં વહેલા બેસેલા ચોમાસાને કારણે જાહેર જનજીવન પર અસર પડી હતી, તેમાંય જાહેર પરિવહનની સેવાને સ્થગિત કરવી પડી હતી. મધ્ય રેલવેમાં મસ્જિદ બંદર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા, જ્યારે મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (મેટ્રો-થ્રી) સ્ટેશનમાં પાણી ભરાયા પછી પ્રશાસન પર પસ્તાળ પડી હતી, ત્યાર બાદ મુંબઈ મેટ્રો ચોમાસાના દિવસોમાં ફરી ખોરવાય નહીં તેના માટે મહત્ત્વના પગલા ભર્યા હોવાનો દાવો કર્યો હતો.
મેટ્રો-થ્રીની સર્વિસ આરે-જેવીએલઆર-વરલી મેટ્રો રાબેતા મુજબ દોડી હતી. સવારના સાડા છ વાગ્યાથી રાતના સાડા દસ વાગ્યા સુધી મેટ્રો-થ્રી સેવામાં છે, જે અંગે ટવિટ કરીને નાગરિકોને જાણ કરી હતી. મેટ્રોના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની ભિડીએ કહ્યું હતું કે મુંબઈમાં અતિવૃષ્ટિને કારણે મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રો ખોરવાઈ હતી, પરંતુ એના પછી ચાલુ કરવામાં આવી હતી. રોજના હજારો લોકો ટ્રાવેલ કરે છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિનું પુનરાવર્તન થશે નહીં એવું જણાવ્યું હતું.
મહામુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ ચોમાસા દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા અને મેટ્રો સેવાના સુગમ સંચાલન માટે મેટ્રો લાઇન 2A અને 7 માટે એક વ્યાપક યોજના તૈયાર કરી. અમલમાં મુકાયેલા આ પગલાં મુંબઈકરોને અવિરત, કાર્યક્ષમ અને સલામત મેટ્રો સેવાઓ પૂરી પાડશે તેવો વિશ્વાસ MMRDAએ વ્યક્ત કર્યો છે.
ચોમાસા માટે મહત્વપૂર્ણ ઉપાય યોજના
- પવનની ગતિ માપવા માટે મેટ્રો લાઇન 2A અને 7 પર 10 મહત્વના સ્ટેશનો પર પવન વેગ એનિમોમીટર સ્થાપિત કરીને વર્તમાન હવામાન પરિસ્થિતિઓનું સતત નિરીક્ષણ કરીને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.
- પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં મુસાફરીને સરળ બનાવવા અને પ્રતીક્ષા સમય ઘટાડવા માટે મેટ્રો સેવાની ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે.
- દરેક મેટ્રો સ્ટેશનમાં ઓછામાં ઓછા 64 હાઇ-ડેફિનેશન સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે અને સુરક્ષા અને દેખરેખ માટે ૨૪x૭ તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે.
- કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક સહાય માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપત્તિ વ્યવસ્થાપન ટીમ માટે એક અલગ ઇમરજન્સી કોચ તૈયાર રાખવામાં આવ્યો છે.
- ડીજી સેટ, યુપીએસ સિસ્ટમ્સ, લાઈટનિંગ એરેસ્ટર્સ, અર્થિંગ સિસ્ટમ્સ અને ડીવોટરિંગ પંપનું પરીક્ષણ કરીને આ સાધનો 30 સ્ટેશનો અને ચારકોપ ડેપો પર તૈયાર રાખવામાં આવ્યા છે.
- પ્રવાસીઓ માટે સલામત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ભારે વરસાદમાં પણ તેમાંથી પાણી લીક ન થાય તે માટે તમામ 34 મેટ્રો ટ્રેનનું સંપૂર્ણ વોટરપ્રૂફ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- સમગ્ર 35 કિમી લાંબા વાયડક્ટની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે. આમાં 30 સ્ટેશનો પર છતની ગટર, વરસાદી પાણીનો નિકાલ કરતી પાઈપો, સોસર ડ્રેન, મેડિયન ચેમ્બર્સ અને ડ્રેનેજ લાઇનનો સમાવેશ થાય છે.
- સમગ્ર સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ સલામતી સુનિશ્ચિત કરવા 34 સ્વીચગિયર યુનિટમાં 25 kV કેબલ (ત્રણ રીસીવિંગ સબસ્ટેશનથી ફીડિંગ પોસ્ટ સુધી), ટ્રાન્સફોર્મર બુશિંગ્સ, CT, PT, લાઈટનિંગ એરેસ્ટર્સ, ન્યુટ્રલ આઇસોલેટર અને હીટર સહિત 759 થી વધુ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટરની જાળવણી અને નિરીક્ષણ પૂર્ણ થઈ ગઈ છે.
ઘટનાસ્થળ પર તૈયારીઓનું ધ્યાન રાખવા દરેક પ્રોજેક્ટ માટે અલગ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ખાડા ભરવા માટે વાહનો અને પાણી ખેંચવા માટે પંપ પહેલાથી જ મુખ્ય સ્થળોએ તહેનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન રાહદારીઓ અને ટ્રાફિકનું સંચાલન કરવા માટે મેટ્રો સ્ટેશનોની આસપાસ ટ્રાફિક વોર્ડનની નિમણૂક કરવામાં આવી છે, જેથી સલામતી અને સરળ સેવા સુનિશ્ચિત થાય. એક અદ્યતન કંટ્રોલ રુમ 24×7 કાર્યરત છે, તેમાં લાઇવ મોનિટરિંગ સુવિધાઓ છે અને તે હોટલાઇન દ્વારા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ સાથે જોડાયેલ છે.
આ પણ વાંચો….મુંબઈ મેટ્રો થ્રીમાં મોબાઇલ નેટવર્ક બ્લેકઆઉટને કારણે પ્રવાસીઓને પડે છે આ મુશ્કેલી