નાગપુરની નર્સ પાકિસ્તાન શા માટે પહોંચી? LoC પાર કરવા પાછળનું રહસ્ય?

નાગપુર/અમૃતસરઃ હજી તો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ઘટના તાજી જ છે, ત્યાં નાગપુરની એક મહિલા પણ પરિવારને અંધારામાં રાખીને પાકિસ્તાન પહોંચી ગયાની ઘટના સામે આવી છે.
બનાવની વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપુરની 43 વર્ષીય સુનિતા જામગડે તાજેતરમાં નિયંત્રણ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાન પહોંચી ગઈ હતી, જેને પાકિસ્તાની રેન્જર્સે ભારતને સોંપી દીધી છે.
આપણ વાંચો: BSFએ પાકિસ્તાનની ચોકીઓનો આ રીતે સફાયો કર્યો ! જુઓ નવો વીડિયો
હાલમાં તે અમૃતસર પોલીસની કસ્ટડીમાં છે અને નાગપુર પોલીસની એક ટીમ તેને નાગપુર પરત લાવવા માટે અમૃતસર પહોંચી ગઈ છે. નાગપુર લાવ્યા પછી તેની સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે તે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જાસૂસીમાં સામેલ તો નથી ને?
સુનિતા જામગડે વ્યવસાયે નર્સ છે અને તેની માતા સાથે રહે છે. તે ઘણા સમયથી પાકિસ્તાનના એક વ્યક્તિ સાથે વાતચિત કરતી હતી. ચોથી મેના તે તેના 13 વર્ષના પુત્ર સાથે ઘરેથી એમ કહીને નીકળી હતી કે તે કોઈ કાનૂની કામ માટે અમૃતસર જઈ રહી છે.
નવમી મેના તે કારગિલ પહોંચી અને સરહદી વિસ્તારના હુંદરમાન ગામમાં એક હોટેલમાં રોકાઈ હતી. 14 મેના રોજ સુનિતા અચાનક ગાયબ થઈ ગઈ જ્યારે તેનો દીકરો હોટેલમાં જ હતો. જ્યારે સુનિતાનો કોઈ પત્તો ન લાગ્યો, ત્યારે સ્થાનિકોએ પુત્રને પોલીસને સોંપી દીધો હતો.
આપણ વાંચો: અમૃતસર બ્લાસ્ટથી ખળભળાટ: એકનું મોત, પાકિસ્તાનથી વિસ્ફોટક આવ્યાની આશંકા!
તપાસ બાદ જાણવા મળ્યું કે સુનિતા એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશી ગઈ હતી, જ્યાં તેને પાકિસ્તાની સુરક્ષા દળોએ પકડી લીધી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આ ઘટનાએ સુરક્ષા એજન્સીને સતર્ક કરી દીધી છે. સુનિતાની પૂછપરછ અને તપાસ કર્યા પછી પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ તેને અટારી સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સોંપી દેવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછ બાદ BSFએ સુનિતાને અમૃતસર પોલીસને સોંપી દીધી હતી. નાગપુરના ડીસીપી ઝોન 5 નિકેતન કદમે જણાવ્યું હતું કે સુનિતાને કસ્ટડીમાં લેવા માટે એક અધિકારી અને બે મહિલા કોન્સ્ટેબલને અમૃતસર મોકલવામાં આવ્યા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુનિતા નાગપુર પહોંચ્યા પછી તેની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે તે જાસૂસી કે અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતી કે નહીં.
એવું પણ બહાર આવ્યું છે કે ગુમ થયા પહેલા સુનિતા એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતી અને ફક્ત તેને મળવા માટે સરહદ પાર કરી હતી. સુનિતાનો 13 વર્ષનો પુત્ર હાલમાં બાળ કલ્યાણ સમિતિની કસ્ટડીમાં છે.