PM મોદીનું ગાંધીનગરથી કોંગ્રેસ પર નિશાન: “સરદાર પટેલની વાત માની હોત તો…”

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાએ છે. ગઇકાલે ભુજમાં સભા સંબોધ્યા બાદ રાતે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આજે સવારની શરૂઆત જ પીએમ મોદીએ રોડ શોથી કરી હતી.
આજે ગાંધીનગરમાં રાજભવનથી શરૂ થયેલો રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4 અંડરપાસ, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. અહી તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, જ્યાં પણ ગયા ત્યાં તેમને દેશભક્તિની લહેર, ‘કેસર સાગર’ની ગર્જના અને માતૃભૂમિ માટે અપાર પ્રેમ જોવા મળ્યો, જે એક અવિસ્મરણીય દ્રશ્ય હતું.
વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, “શરીર કેટલું પણ સ્વસ્થ કેમ ન હોય, જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન રહે છે. હવે અમે નક્કી કરી લીધું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતે ત્રણ વાર પાકિસ્તાનને યુદ્ધમાં ધૂળ ચટાવી છે. તેમણે કહ્યું કે આપણે પડોશીઓના સુખ ચેનની પરવા કરી છીએ.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા વડોદરા વાસીઓ આતુર, જુઓ તસવીરો…
ભારતની શક્તિને પડકારવામાં આવે, ત્યારે આ દેશ વીરોની ભૂમિ
પીએમ મોદીએ આગળ કહ્યું કે, “જ્યારે વારંવાર ભારતની શક્તિને પડકારવામાં આવે, ત્યારે આ દેશ વીરોની ભૂમિ છે. પીએમ મોદીએ પાકિસ્તાન પર ‘પ્રોક્સી વોર’ નહીં, પણ સીધું યુદ્ધ લડવાનો આરોપ લગાવ્યો, કારણ કે 6 મે પછી માર્યા ગયેલા લોકોને પાકિસ્તાનમાં રાજકીય સન્માન અને પાકિસ્તાની ઝંડામાં લપેટીને સૈન્ય સલામી આપવામાં આવી હતી.
તેમણે સ્પષ્ટ કર્યું કે, આ આતંકવાદી પ્રવૃત્તિઓ નહીં, પરંતુ પાકિસ્તાનની એક સુયોજિત યુદ્ધ રણનીતિ છે, અને જો તેઓ યુદ્ધમાં સામેલ છે, તો જવાબ પણ તે મુજબ જ અપાશે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છ થયું સજ્જ, જાણો કેવી છે તૈયારી?
કાશ્મીર પર સરદાર પટેલની વાત માની હોત તો…..
પોતાના સંબોધન દરમિયામ વડા પ્રધાને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો કાશ્મીર પર સરદાર પટેલની વાત માની હોત અને આતંકવાદીઓને વહેલા જ ખતમ કરી દીધા હોત, તો છેલ્લા 75 વર્ષથી આતંકવાદનો સામનો કરવો ન પડ્યો હોત.
1947માં દેશના ભાગલા વખતે ‘કટની ચાહિએ થી ઝંઝીર, પર કટ ગઈ ભુજાએ’ વાક્યનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, કાશ્મીરમાં પહેલો આતંકી હુમલો થયો અને પાકિસ્તાને મુજાહિદ્દીનના નામે આતંકીઓનો ઉપયોગ કરીને એક હિસ્સા પર કબજો કરી લીધો. સરદાર પટેલનું કહેવું હતું કે જ્યાં સુધી પીઓકે નથી મળી જાતું ત્યાં સુધી દેશની સેના રોકાવી ન જોઇએ.
સિંધુ જળ સમજૂતીનો અભ્યાસ કરો તો આઘાત લાગશે
સિંધુ જળ સમજૂતી પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે “હું નવી પેઢીને કહેવા માંગુ છું કે આપણો દેશ કેવી રીતે બરબાદ થઈ ગયો હતો. જો તમે 1960 ની સિંધુ જળ સમજૂતીનો અભ્યાસ કરો તો તમને આઘાત લાગશે. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની નદીઓ પરના બંધોની સફાઈ કરવામાં આવશે નહીં.
કાંપ કાઢવાની કામગીરી નહિ થાય, કાંપ સાફ કરવા માટે નીચેના દરવાજા બંધ રહેશે. આ દરવાજા 60 વર્ષ સુધી ક્યારેય ખોલવામાં આવ્યા ન હતા. જે જળાશયો 100% ક્ષમતા સુધી ભરવાના હતા તે હવે ફક્ત 2% કે 3% સુધી મર્યાદિત છે.
હમણાં, મેં કંઈ કર્યું નથી અને લોકો ત્યાં (પાકિસ્તાન) પરસેવો પાડી રહ્યા છે. અમે બંધ સાફ કરવા માટે નાના દરવાજા ખોલ્યા છે, અને ત્યાં પહેલાથી જ પૂર આવી રહ્યું છે.”
મીઠા માટે ઓળખાતું ગુજરાત આજે હીરા માટે જાણીતું
પોતાના સંબોધન દરમિયાન વડા પ્રધાન મોદીએ ગુજરાતના વિકાસની વાત કરતા કહ્યું કે, એક સમયે ફક્ત મીઠા માટે ઓળખાતું ગુજરાત આજે હીરા માટે જાણીતું છે. તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ પણ ગણાવી. 2014માં જ્યારે તેમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 11મા ક્રમે હતી, જે હવે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત હવે રાહ જોવા માંગતું નથી અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્પષ્ટ લક્ષ્ય છે. ‘ઓપરેશન સિંદૂર’ પર બોલતા તેમણે કહ્યું કે, “દુનિયા સિંદૂરિયા સાગરની ગર્જના સાંભળી રહી છે. દેશને બનાવવો અને બચાવવો હોય તો ‘ઓપરેશન સિંદૂર’ 140 કરોડ લોકોની જવાબદારી છે, જેને જન-બળથી જીતવાનું છે.”