હિન્દી ફિલ્મ ગીતોની વિદેશી ‘પ્રેરણા’
ફોકસ -રાજેશ યાજ્ઞિક
કલાકાર કોઈ પણ હોય હંમેશાં કોઈને કોઈ પ્રેરણા મળે છે જેમાંથી સર્જન થાય છે. કવિ કોઈ દ્રશ્ય કે ઘટના જુએ અને તેને કવિતા સ્ફુરે, લેખક કોઈ ઘટના જુએ કે સાંભળે અને તને વાર્તા સ્ફુરે. સંગીતકાર કોઈ સ્થળે જાય અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ એવી ધૂન સાંભળે જે તેને મન-મગજ પર છવાઈ જાય અને કોઈ એવું ગીત મળે તેમાં તે ધૂનનો ઉપયોગ કરે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક એકથી ચડિયાતા, યાદગાર, શાસ્ત્રીય રાગ-રાગીણીથી લઈને લોકગીતો આધારિત, સુગમ સંગીત જેવાં અનેક પ્રકારોમાં ગીતો આપ્યાં છે જે લોકોને હૈયે વસેલા છે. એ ગીતના ગીતકારો અને સંગીતકારો પોતપોતાની રીતે સજ્જ અને સંગીતના ઊંડા જાણકાર હતા. પરંતુ ક્યારેક કેટલાં ગીતોના સંગીતમાં માં અન્ય ગીતોની જરા વધારે પડતી જ ‘પ્રેરણા’ દેખાઈ આવે છે. આ પહેલા આપણે આવી ‘પ્રેરણા દાયક’ ફિલ્મોની વાત કરી હતી જે વિદેશી ફિલ્મોમાંથી લેવાઈ હોય. અમારા એક મિત્રએ ટકોર કરી કે એવાં તો કેટલાંય ગીતો પણ છે જે વિદેશી ગીતો સાથે ખાસ્સા મળતા આવે છે અથવા જેમાં વિદેશી ગીતોની ઝલક વર્તાતી હોય.
વર્ષ ૨૦૦૪ માં આવેલી ફિલ્મ ‘ધૂમ’નું શીર્ષક ગીત ‘ધૂમ મચા લે’ હકીકતમાં ધૂમ મચાવી ચૂક્યું છે. પણ આ ગીતના મૂળ કેનેડિયન સંગીતકાર જેસી કુકના ગીત ‘મારિઓ ટેક’સ અ વોક’થી ઇન્સ્પાયર્ડ છે! જે ગીત ૧૯૯૬માં આવેલું.
શીર્ષક ગીતની જ વાત આવે ત્યારે ૨૦૦૧ની ફિલ્મ ‘પ્યાર તુને ક્યા કિયા’ પણ યાદ આવે. આ ફિલ્મનું શીર્ષક ગીત પણ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું અને ‘પ્યાર તુને ક્યાં કિયા’ ઘણી ઘટનાઓ માટે ટાંકવામાં આવે તેવું અવતરણ બની ગયું હતું. આ ગીતના સંગીતના મૂળ પણ વિદેશી ફિલ્મના ગીતમાં છે જે ૧૯૭૭માં આવી હતી. ફિલ્મનું નામ છે ધી એક્સોર્સિસ્ટ-૨ અને ગીત ધી હેરેટિક હતું. મજાની વાત એ કે પ્યાર તુને ક્યાં કિયા ફિલ્મનું જ અન્ય એક ગીત ‘કમ્બખ્ત ઇશ્ક’ પણ વખણાયેલું. પણ તેની ધૂન પણ અન્ય ગીતમાંથી પ્રેરણા પામેલી જ છે. ૧૯૯૯માં એઈરિન્નનું ‘ધી આફ્રો કેલ્ટ સાઉન્ડ સિસ્ટમ’ સાથે આ ગીતમાં ભારે મળતાપણું હોવાનું કહેવાય છે.
પણ નવી પેઢીની ફિલ્મોમાં જ આવી સમાનતા છે એવું પણ નથી. ૧૯૫૯માં આવેલી ફિલ્મ ‘દિલ દેકે દેખો’, વન્સ અગેઇન તેનું શીર્ષક ગીત. કોને એ યાદ ન હોય? આ ગીતમાં પણ કહેવાય છે કે મેકગ્વાયર સિસ્ટર્સના ‘સુગર ટાઈમ’થી મળતી ધૂનનું હતું જે ગીત ફિલ્મના એક વર્ષ પહેલા જ બહાર પડ્યું હતું.
૨૦૦૬ની સુપર ડુપર હિટ ફિલ્મ અને માઈલસ્ટોન ગણાઈ ગયેલી પણ ખરી એવી ફિલ્મ ’લગે રહો મુન્નાભાઈ’નું સુમધુર ‘પલ પલ’ ગીત પણ આ શ્રેણીમાં આવે છે. છેક ૧૯૬૧માં ક્લિફ રિચર્ડ નું એક ગીત આવ્યું હતું ‘થીમ ફોર આ ડ્રિમ’ તેની ધૂન અને ‘પલ પલ’ની ધૂન વચ્ચે ગજબની સામ્યતા જોવા મળે છે. ૧૯૮૦માં આવેલી ફિલ્મ કર્ઝ અને તેનું સંગીત બંને આઇકોનિક છે. તેનું ગીત ‘ઓમ શાંતિ ઓમ’ આજે પણ લોકો પાર્ટીઓમાં ગાય છે અને તેના ઉપર મન મૂકીને નાચે છે. આ ગીત ‘ઓમ શાંતિ ઓમ’ એ શબ્દોની સાથે જ ૧૯૭૪માં લોર્ડ શોર્ટીના રજૂ થયેલા ગીતમાંથી પ્રેરિત છે.
૧૯૯૭ની ફિલ્મ ‘ઇશ્ક’ ના ગીત ‘નીંદ ચુરાયી મેરી’ પણ યુવાનોનું પ્રિય છે. આ ગીત ૧૯૯૦માં આવેલા ગીત ‘સેન્ડિંગ ઓલ માય લવ’ (લિનિયર) સાથે સામ્યતા ધરાવે છે. ૧૯૭૫ની ઐતિહાસિક ફિલ્મ ‘શોલે’ અને તેનું ગીત ‘મહેબુબા મહેબુબા’ ગ્રીસના પરંપરાગત ગીત પર આધારિત
છે જે ૧૯૭૩માં મિહાલીસ વીઓલરીસ દ્વારા ગવાયું હતું. ‘અપના સપના મની મની’ ફિલ્મનું ગીત ‘દિલમેં બીજી ગિટાર’ ૧૯૯૭ મિયામી બેન્ડ દ્વારા ગવાયેલા ‘શેલોહા શેલા’ પરથી ‘પ્રેરણા’ પામેલું છે. આ અને આવા તો અનેક ગીતો છે જેની ધૂન અન્ય વિદેશી ધૂનો સાથે મળતી આવતી હોય. પણ તેનો અર્ક લઈને પોતાનો રસ નાખીને કોઈ નવસર્જન થયું હોય ત્યાં સુધી તેમાં સંગીતકારની પોતાની કલાકારી તો કહેવાય જ. એ કેટલી એ નક્કી કરવાનું તમારે.