વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે: શાહ
‘ગુજરાતનો પુત્ર રાષ્ટ્રના વિકાસ, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન કરનારાઓને પાઠ ભણાવવામાં આવ્યો છે’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મુંબઈમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.
દક્ષિણ મુંબઈના અત્યંત લોકપ્રિય માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બોલતાં શાહે ગુજરાતીમાં કહ્યું હતું કે જે લોકો ‘એક ચુટકી સિંદૂર’નું મૂલ્ય જાણતા ન હતા તેમને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે.
‘મોદીએ વડા પ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતનો આ પુત્ર રાષ્ટ્રના વિકાસ, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જે લોકોએ રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું છે તેમને યોગ્ય શબ્દોમાં પાઠ ભણાવવામાં આવ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું.
ગૃહ પ્રધાને એમ પણ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ લોકોને ભારતીય હોવાનો ગર્વ કરાવ્યો છે અને વિદેશમાં ભારતીય પાસપોર્ટનું મૂલ્ય વધાર્યું છે. એક સમયે ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકોની સામે જે દૃષ્ટિએ જોવામાં આવતું હતું, હવે તે દ્રષ્ટીકોણ બદલાયો છે. હવે ભારતીયોને સન્માનની નજરે જોવામાં આવે છે.
શાહે કહ્યું હતું કે, મજબૂત રાજકીય ઇચ્છાશક્તિને કારણે મોદીના કાર્યકાળ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર અને કાશી વિશ્ર્વનાથ કોરિડોરનું નિર્માણ થયું છે.
તેમણે મુંબઈના હૃદયમાં માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિર ચલાવનારા ટ્રસ્ટીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે આ સંસ્થાના 200 વર્ષ પૂરા થાય ત્યારે આ સ્થળ ફક્ત મંદિર ન રહે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, આ સંસ્થાના સંચાલકોમાં સમાજ સેવાની ભાવના છે, જેના કારણે તે આગામી દિવસોમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે એવી અપેક્ષા વધુ પડતી નથી.
આ પણ વાંચો….‘ઓપરેશન સિંદૂર માટે બાળ ઠાકરેએ વડા પ્રધાન મોદીને ગળે લગાવ્યા હોત’: અમિત શાહ