રાજકોટમાં માતાએ બાળકને છત પરથી નીચે ફેંકવાનો કર્યો પ્રયાસ, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

રાજકોટ: ગઇકાલથી એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની છત પરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયો રાજકોટનો હોવાની વિગતો જાણવા મળી હતી. જો કે આ વીડિયો અંગે ખુલાસો થયો છે અને સોશિયલ મીડિયામાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો સાબિત થયો છે.
મળતી વિગતો અનુસાર ગોકુલધામ આવાસ યોજનાના એક ક્વાર્ટરમાંથી એક મહિલા બીજા માળેથી પોતાના પુત્રને ફેંકવાનો પ્રયાસ કરી રહી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દ્રશ્ય જોઈને રાહદારી તાત્કાલિક દોડી ગયા હતા અને મહિલાના હાથમાંથી બાળકને છોડાવ્યો હતો. જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ખૂબ જ ચર્ચા જાગી હતી અને આ મામલે પોલીસે પણ કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: Patanમાં વર્ગખંડની છત પરથી પટકાતાં શાળાનાં આચાર્યનું મોત
પોલીસ તપાસ અને મહિલાનો ખુલાસો
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની ઓળખ કરીને માલવિયાનગર પોલીસે બાળકના માતા પિતાને પોલીસ મથકે બોલાવીને બંનેના નિવેદન નોંધ્યા હતા. બાળકની માતાએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે જ બાળકને છત પર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો. જો કે તે બાળકને ડરાવી રહી હતી. બાળકના તોફાનનાં કારણે થોડીવાર પહેલા જ પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો. આ પરપ્રાંતિય પરિવારના બાળકે નીચે પથ્થર ફેંક્યો હોવાથી પાડોશી સાથે વિવાદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પતિ-પત્ની બંનેને પોલીસ મથકે બોલાવી નિવેદન લીધા હતા.