લીડ્સમાં ભારત આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું, જૂનમાં પહેલી ટેસ્ટ ત્યાં જ રમાવાની છે

નવી દિલ્હી: આઈપીએલ પૂરી થયા બાદ ભારત (TEAM INDIA)ના ટેસ્ટ ખેલાડીઓની ટીમ ઈંગ્લૅન્ડના લાંબા પ્રવાસે (TOUR OF ENGLAND) જશે જ્યાં પાંચ ટેસ્ટમાંથી પ્રથમ મૅચ લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાશે અને ત્યાં ભારતનો રેકોર્ડ સારો નથી.
લીડ્સમાં ભારત છેલ્લે 2002માં (23 વર્ષ પહેલાં) ટેસ્ટ જીત્યું હતું. ત્યાર બાદ ભારત અહીં એક પણ ટેસ્ટ નથી જીતી શક્યું.
એ જોતાં, નવા કેપ્ટન શુભમન ગિલના સુકાનમાં આગામી સિરીઝની શરૂઆત ભારત માટે આસાન નહીં હોય.
લીડ્સમાં ભારત અત્યાર સુધીમાં સાત ટેસ્ટ રમ્યું છે જેમાંથી માંડ બે ટેસ્ટ જીત્યું છે. ભારતે લીડ્સમાં છેલ્લો ટેસ્ટ-વિજય 2002માં સૌરવ ગાંગુલીના સુકાનમાં લીડ્સમાં મેળવ્યો હતો. ભારતના 628/8ના સ્કોર સામે ઇંગ્લૅન્ડની ટીમ 273 રનમાં આઉટ થઈ ગયા બાદ ફૉલો-ઑન પછી બીજા દાવમાં બ્રિટિશ ટીમ 309 રનમાં આઉટ થઈ જતાં ભારતનો એક ઇનિંગ્સ અને 46 રનથી વિજય થયો હતો. એ મૅચના પહેલા દાવમાં દ્રવિડ (148), સચિન (193) અને ગાંગુલી (128)એ સેન્ચુરી ફટકારી હતી.
લીડ્સમાં ભારત પહેલી વાર 1986માં કપિલ દેવના નેતૃત્ત્વમાં ટેસ્ટ જીત્યું હતું. છેલ્લે 2021માં આ સ્થળે વિરાટ કોહલીની કેપ્ટ્ન્સીમાં ભારત એક દાવ અને 76 રનથી ટેસ્ટ હારી ગયું હતું. જોઈએ હવે ગિલના સુકાનમાં ભારત ચાર વર્ષ પહેલાંની એ હારનો બદલો લેશે કે નહીં.
આ પણ વાંચો….સૂર્યકુમારે સચિનનો રેકૉર્ડ તોડ્યો, મુંબઈના સાત વિકેટે 184 રન