ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને રાજસ્થાન પર કર્યા હતા આટલા ડ્રોન હુમલા…

જયપુર: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો હતો. તેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે, ભારતીય સેનાએ આ હુમલાઓને નાકામ કર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને રાજસ્થાન સરહદ પર અનેક ડ્રોન હુમલા કર્યા હતા. ત્યારે હવે પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાની સંખ્યા પ્રકાશમાં આવી છે.

રાજસ્થાન પર 413 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા
બોર્ડર સિક્યુરિટી ફોર્સના રાજસ્થાન ફ્રન્ટિયર ઇન્સ્પેક્ટર જનરલ એમએલ ગર્ગે માહિતી આપી છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને રાજસ્થાનને પણ મોટા પાયે નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાને રાજસ્થાન પર 413 ડ્રોન હુમલા કર્યા. આ ડ્રોન રાજ્યના બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ભારતીય સૈન્ય દળોએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી આ બધા ડ્રોન હુમલા નિષ્ક્રિય કર્યા હતા.

વાયુસેનાના મથક પર પણ હુમલો થયો હતો
બીએસએફએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ રાજસ્થાનના ફલોદીમાં સ્થિત ફલોદી એરફોર્સ બેઝને પણ નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત, અન્ય ઘણી સંવેદનશીલ જગ્યાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, સેનાએ જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યારે યોગ્ય સમયે જવાબ આપ્યો અને બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાનના મિસાઇલો અને ડ્રોન ભારતીય ભૂમિને સ્પર્શી શક્યા નહીં કે કોઈ લશ્કરી કે નાગરિક માળખાને નુકસાન થયું નહીં.
પાકિસ્તાને સેના તૈનાત કરી હતી
બીએસએફ અધિકારી ગર્ગે કહ્યું છે કે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો જમીન પર પહોંચે તે પહેલાં જ હવામાં જ તેમને નષ્ટ કરી દીધા હતા. આના કારણે ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું ન હતું. ફક્ત ડ્રોનનો કાટમાળ જમીન પર પડ્યો. બીએસએફ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને સરહદ પર પોતાની સેના તૈનાત કરી દીધી છે. જોકે, ભારતીય સૈનિકો એક ઇંચ પણ પાછળ ન હટ્યા.
આપણ વાંચો : Video: રાજસ્થાનમાંથી મળ્યું તુર્કીયેનું ડ્રોન, આ ખાસ કામમાં થાય છે ઉપયોગ…