નેશનલ

તુર્કીયેનો અસલી રંગઃ કાનપુરમાં કોન્ટ્રાક્ટરોને લટકાવી કંપની થઈ ગઈ રફુચક્કર…

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો દરમિયાન જ તુર્કીયેનો અસલી રંગ જોવા મળી ગયો હતો. આતંકવાદને પ્રેરતા પાકિસ્તાનને ડ્રોન આપી અને બન્ને સરહદો વચ્ચે ચાલતા ઘર્ષણ દરમિયાન પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપનારા તુર્કીયે સાથે ભારતે ઘણા સંબંધો તો કાપી નાખ્યા છે, પરંતુ દેશમાં એરપોર્ટ સુરક્ષા, મેટ્રો સુરક્ષા, સોફ્ટવેર વગેરેની જવાબદારી તુર્કીયેની સોંપવામાં આવી હતી. એટલું જ નહીં સુરત સહિત ઘણાશહેરોમાં મેટ્રોનું કામ તુર્કીયેને સોંપવામાં આવ્યું છે, જેમાંનો એક કિસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

એક અહેવાલ પ્રમાણે કાનપુર મેટ્રોની ત્રણ લાઇન પર વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. આ માટે, ચુન્નીગંજ, બડા ચૌરાહા અને નવીન માર્કેટ સહિત ચાર સ્ટેશનોનું કામ તાજેતરમાં પૂર્ણ થયું છે. 2021 માં આ કોન્ટ્રાક્ટ તુર્કીની કંપની ગુલેરકર્મા અને તેની ભારતીય પેટાકંપની, સેમ ઈન્ડિયાને આપવામાં આવ્યો હતો. આ કંપનીઓએ આ કામ સ્થાનિક કોન્ટ્રાક્ટરોને આપ્યું હતું. કંપનીએ કામ પૂર્ણ કરી દીધું છે અને કામનો ખર્ચ ચૂકવ્યા વિના ઓફિસ છોડીને ભાગી ગઈ છે.

આ મેટ્રો સ્ટેશનો માટે ચાલીસ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું હતું. કંપનીએ આ કોન્ટ્રાક્ટરોના 55 કરોડ રૂપિયાના દેવા બાકી છે. કંપનીએ માર્ચ મહિનાથી કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, તેમના પર કામ કરવાનું દબાણ કરવામાં આવ્યું અને પછીથી પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું. કોન્ટ્રાક્ટરોએ હવે એડિશનલ સિટી મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો છે, અને આરોપ લગાવ્યો છે કે કંપનીના કર્મચારીઓ વહેલા ચૂકવણીનું વચન આપીને કામ પૂર્ણ કરવા દબાણ કરી રહ્યા હતા. તેમણે કંપની સામે પગલા લેવાની માગણી કરી છે.

જ્યારે બધું કામ પૂર્ણ થઈ ગયું, ત્યારે કંપનીના કર્મચારીઓ પર પૈસા ચૂકવવાનું દબાણ કરવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટરોનો આરોપ છે કે કંપનીના કર્મચારીઓ કંપનીની ઓફિસને તાળું મારીને ભાગી ગયા છે.

આપણ વાંચો : હવે કચ્છ-ભુજના વેપારીઓએ કર્યો નિર્ધારઃ પ્રવાસન સાથે વેપાર પણ બંધ આ બે દેશ સાથે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button