
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદ આજે બીએસએફ દ્વારા પ્રથમ વાર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં બીએસએફના આઈજી જમ્મુ શશાંક આનંદે જણાવ્યું હતું કે, અમને આતંકવાદીઓ તેમના લોન્ચપેડ અને કેમ્પમાં પાછા ફરવા અને એલઓસી અને આંતર રાષ્ટ્રીય બોર્ડર પર સંભવિત ઘૂસણખોરી વિશે અનેક ઇનપુટ મળી રહ્યા છે. તેથી સુરક્ષા દળોએ સતર્ક રહેવું પડશે.
બીએસએફની મહિલા કર્મચારીઓએ લડાઈ લડી
ઓપરેશન સિંદૂર વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની મહિલા કર્મચારીઓએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ્સ પર લડાઈ લડી હતી. અમારી બહાદુર મહિલા કર્મચારીઓ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું હતું.કોન્સ્ટેબલ મનજીત કૌર, કોન્સ્ટેબલ મલકિત કૌર, કોન્સ્ટેબલ જ્યોતિ, કોન્સ્ટેબલ સંપા અને કોન્સ્ટેબલ સ્વપ્ના અને અન્યોએ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સામે ફોરવર્ડ પોસ્ટ્સ પર લડાઈ લડી હતી.

તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા બીએસએફ ચોકીઓ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા અને ગોળીબારમાં અમે બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવ્યા છે. અમે અમારી બે પોસ્ટનું નામ અમારા શહીદ થયેલા કર્મચારીઓના નામ પર અને એક પોસ્ટનું નામ ‘સિંદૂર’ રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.
પાકિસ્તાની આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવ્યું
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સ પર બીએસએફની કાર્યવાહી અંગે, બીએસએફ ના ડીઆઈજી આરએસપુરા સેક્ટર ચિત્રા પાલે કહ્યું, 9 મેના રોજ પાકિસ્તાને અમારી ઘણી પોસ્ટને નિશાન બનાવી. પહેલા તેઓએ ફ્લેટ ટ્રેજેક્ટરી હથિયારો અને મોર્ટારથી અમારી ચોકીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેઓએ અમારા એક ગામ, અબ્દુલિયાનને પણ નિશાન બનાવ્યું. ત્યારે બીએસએફ જવાનોએ તેમને યોગ્ય જવાબ આપ્યો. જ્યારે તેમણે ગોળીબાર ઓછો કર્યો અને ડ્રોન પ્રવૃત્તિ વધારી. ત્યારે જવાબમાં બીએફએફએ મસ્તપુર ખાતે પાકિસ્તાની આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવીને તેનો નાશ કર્યો.

ઘણા આતંકવાદીઓ રેન્જર્સ અને અધિકારીઓ ઘાયલ
આ ઉપરાંત સુંદરબની સેક્ટરના બીએસએફ ડીઆઈજી વરિન્દર દત્તાએ જણાવ્યું હતું કે, 8 મેના રોજ, અમને માહિતી મળી હતી કે સરહદ પાર પાકિસ્તાનમાં લૂની આતંકવાદી લોન્ચ પેડ પર 18 થી 20 આતંકવાદીઓ હાજર છે અને તેઓ અહીં ઘૂસણખોરી કરી શકે છે. પરંતુ બીએસએફએ લોન્ચ પેડ પર હુમલો કરીને તેમને આશ્ચર્યચકિત કરી દીધા જેના કારણે ભારે નુકસાન થયું છે. ઇનપુટ મુજબ હુમલામાં ઘણા આતંકવાદીઓ રેન્જર્સ અને અધિકારીઓ ઘાયલ થયા છે.
આપણ વાંચો : કચ્છ સરહદ પર BSF જવાનો માટે હરામીનાળા સુધી પહોંચશે પીવાનું પાણી