દીપડાઓને ગમી ગયું કચ્છઃ રેસ્ક્યુ સેન્ટરમાં આવેલા તમામ 12 દીપડા સ્વસ્થ…

ભુજઃ રણપ્રદેશ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના છેવાડાના ધુનાય ગામ પાસે આકાર પામેલા ‘લેપર્ડ એન્કલોઝ એન્ડ રેસ્ક્યુ સેન્ટર’માં ગત વર્ષે પ્રથમ તબક્કામાં સાત અને ત્યારબાદ પાંચ મળીને કુલ ૧૨ જેટલા લાવવામાં આવેલા હિંસક રાની પશુ દીપડાઓને રણપ્રદેશ કચ્છનું વાતાવરણ માફક આવી ગયું છે અને હાલ તેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ રણપ્રદેશમાં ડિસેમ્બર-ફેબ્રુઆરી માસમાં હાડથીજાવતી ઠંડીનો પ્રકોપ પ્રવર્તતો હોય છે, અત્યારે ઉનાળાની પીક એટલે કે અકળાવનારો મે માસ ચાલે છે અને ગરમીનું પ્રમાણ દુબઇ જેવા પ્રદેશોની સમક્ષ છે. આ દીપડાઓને જયારે કચ્છ લાવવામાં આવ્યા હતા ત્યારે સિંગલ ડિજીટમાં ઠંડી હતી અને હવે ગરમી છે. આ છ મહિનામાં ઠંડી અને ગરમીમાં દીપડાની સ્થિતિ શું છે તે જાણવા તજજ્ઞોની ટુકડીએ ધુનાય ખાતેના લેપર્ડ એન્કલોઝ એન્ડ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત દરમ્યાન કાળજીપૂર્વક હાથ ધરેલા જાત નિરીક્ષણ દરમ્યાન આ તમામ દીપડા એકદમ તંદુરસ્ત જોવા મળ્યા હતા.

પ્રાતઃકાળે આ દીપડાઓને આફ્રિકાના જજગલોની થીમ પર બનાવેલાં ખાસ પ્રકારના મેદાનમાં છુટા મૂકાય છે.
મેદાનની વચ્છમાં રહેલા પ્રાકૃતિક ટેકરા પર લીલા પડદાવાળું તંબુ છે, જેથી છાયડામાં તેઓ આરામથી બેસી શકે છે. અમુક દીપડા તંબુ પર ચડીને ચારે બાજુ જંગલ જોતા હોય છે. સેન્ટરની ચારે બાજુ જંગલ હોઇ આકાશમાં પક્ષીઓને જોઈને પણ દીપડાઓ ઊંચા નીચા થતા જોવા મળે છે. આ ૧૨ દીપડામાંથી એક દીપડો માત્ર દોઢ વર્ષનો છે અને બાકીના ૧૨થી ૧૩ વર્ષના છે. તમામ દિપડાઓની સપ્તાહમાં એકવાર તબીબી તપાસ કરાય છે. વન વિભાગના કર્મચારીઓ સવારના સમયે દીપડાની ગેરહાજરી બાદ એર-કુલર ધરાવતા બેરેકની જંતુનાશક દવાથી સાફસફાઈ કરવામાં આવે છે.
એક દીપડો ત્રણ કિલોથી પણ વધારે માસ મટન ખાય છે. દીપડા માટે પીવાના શુદ્ધ પાણી માટે મેદાનમાં મોટો આલ્કલાઈન પાણીથી છલોછલ ભરેલો હોજ બનાવાયો છે. એકંદરે કચ્છનું વાતાવરણ દીપડાને માફક આવી ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગત ડિસેમ્બરમાં તેઓ જ્યારે અહીં આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે અસહજ વર્તન કરતા હતા. ખાવા-પીવાનું ઓછું કરી દીધું હતું. નિષ્ણાતોની સલાહ બાદ તમામને મેદાનમાં છોડ્યા ત્યારે અંદરોઅંદર ઝઘડ્યા કરતા હતા જેમાં કેટલાકને ઈજાઓ પણ પહોંચી હતી.
છ મહિનાના ચઢાવ-ઉતાર બાદ આખરે ખમીરવંતા કચ્છનું વાતાવરણ અનુકૂળ આવી જતાં હાલે આ તમામ દીપડાઓ મસ્તીથી પોતાનું જીવન વ્યતીત કરતા જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો : આ દુર્લભ પ્રાણી દેખાયું કચ્છમાંઃ વન વિભાગના કેમેરામાં થયું કેદ