નેશનલ

રાજ્યસભામાં બદલાશે સમીકરણો: તમિલનાડુ-આસામની ચૂંટણીથી વિપક્ષની તાકાત વધશે…

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે સોમવારના રોજ રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીનો સીધો લાભ વિપક્ષી ગઠબંધન INDIAને થશે કારણ કે ઇન્ડી ગઠબંધનની બે બેઠકોનો વધારો થઈ શકે છે. રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં મળેલા પરાજય બાદ વિપક્ષ માટે આ રાહતભર્યા સમાચાર છે. 19 જૂને યોજાનારી આ ચૂંટણીમાં તમિલનાડુની 6 અને આસામની 2 બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો રાજ્યસભાના સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડી રહી છે.

તમિલનાડુમાં ઘીના ઠામમાં ઘી પડશે
તમિલનાડુમાં જે 6 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાંથી ત્રણ પર અત્યાર સુધી DMKના સભ્યો હતા, જ્યારે PMK, AIADMK અને MDMKના એક-એક સભ્ય સાંસદ હતા. વર્તમાન તમિલનાડુ વિધાનસભાના સમીકરણો અનુસાર, DMKની બેઠકોની સંખ્યા ત્રણથી વધીને ચાર થઈ શકે છે. જો કોંગ્રેસ સાથે સહમતિ બને, તો DMK એક બેઠક તેને પણ આપી શકે છે, જે પણ INDIA ગઠબંધનના ખાતામાં જ જશે. આમ તમિલનાડુમાં ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું છે.

આસામમાં બે બેઠકમાં થશે સરખું વિભાજન
તેવી જ રીતે, આસામના વર્તમાન આંકડા જોતાં પણ વિપક્ષના ખાતામાં એક બેઠકનો વધારો થઈ શકે છે. હાલમાં જે સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે, તે ભાજપ અને આસામ ગણ પરિષદના છે. પરંતુ વિધાનસભાના સમીકરણ મુજબ, ચૂંટણીની સ્થિતિમાં એક બેઠક ભાજપને મળશે, જ્યારે બીજી બેઠક કોંગ્રેસ અથવા તેના સહયોગીને મળી શકે છે.

NDAની બેઠક ઘટી શકે છે
આ ચૂંટણીના પરિણામ સ્વરૂપે, રાજ્યસભામાં વિપક્ષની કુલ બેઠકો 89 થી વધીને 91 થઈ શકે છે. બીજી તરફ, NDAની બેઠકો જે હાલમાં 128 છે, તે ઘટીને 126 થઈ શકે છે. હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓમાં મળેલી હાર બાદ કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો માટે આ રાહત આપે તેવા સમાચાર છે.

આપણ વાંચો : રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત; આ તારીખે મતદાન, તમિલનાડુમાં કોનું પલડું ભારે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button