આજે પણ મુંબઈમાં ભારે વરસાદઃ દક્ષિણ મુંબઈમાં એક કલાકમાં ચાર ઈંચ…

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને અનરાધાર વરસાદે મુંબઈને જળબંબોળ કરી દીધું ત્યારે આજે પણ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જનજીવન ખોરવાયું છે. દક્ષિણ મુંબઈના નરિમાન પોઈન્ટ ખાતે એક કલાકમાં 104 મિમિ વરસાદ નોંધાયો હતો. હવમાન ખાતાએ આજ માટે પણ આગાહી કરી છે અને શહેરને રેડ એલર્ટ આપ્યું છે.
જોકે પશ્ચિમ અને મધ્ય મુંબઈમાં અમુક વિસ્તારોમાં ધીમો તો અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. સેન્ટ્રલ મુંબઈની લોકલ લાઈન મોડી ચાલી રહી છે જ્યારે વેસ્ટર્ન લાઈનને પણ અસર થઈ છે. આ જ રીતે હવાઈ મુસાફરી કરનારાઓએ પણ મુસિબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈમાં એક પખવાડિયા પહેવા વરસાદે એન્ટ્રી લીધી છે. આવું 75 વર્ષ બાદ બન્યું છે. સામાન્ય રીતે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી મુંબઈમાં વરસાદ શરૂ થતો હોય છે. ગઈકાલે દક્ષિણ મુંબઈમાં રાત્રે 11 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા અનુસાર સાડા આઠ ઈંચ આસપાસ વરસાદ નોંધાયો હતો.
દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પિરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી આદેશો પાલિકા તેમ જ મંત્રાલયના અધિકારીઓને કર્યા હતા. જોકે પહેલા વરસાદે જ પાલિકાના તેમ જ રાજ્ય સરકારના દાવા પોકળ સાબિત કર્યા હતા અને સોમવારે સમગ્ર શહેરને વરસાદે બાનમાં લીધું હતું.
આપણ વાંચો : વહેલા ચોમાસાથી મહારાષ્ટ્રમાં તારાજી: પુણે, બારામતીમાં પૂર જેવી સ્થિતિ, NDRF તહેનાત