આ રોમાંચક થ્રીલરમાં જોવા મળશે તારા સુતરિયા, OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ
બોલિવુડની ઘણી અભિનેત્રીઓ જેમને સારી ફિલ્મો નથી મળી એ માટે OTT પ્લેટફોર્મ તેમની ટેલન્ટ બતાવવા માટે એક સારી તક પૂરી પાડે છે.
પ્રખ્યાત બોલીવુડ ફિલ્મ મેકર કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર તારા સુતરિયાની ફિલ્મો બોલીવુડ પર ખાસ દમ બતાવી શકી નથી. જો કે હવે તે OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે જે તેની કારકિર્દીમાં સારો વળાંક સાબિત થાય તેવી શક્યતાઓ છે. ટૂંક સમયમાં જ તારા સુતારિયા સર્વાઈવલ થ્રિલર ‘અપૂર્વા’ દ્વારા OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર જોવા મળશે, તેનું શાનદાર ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલરમાં બતાવવામાં આવી રહ્યું છે કે અપૂર્વા એટલે કે તારા સુતરિયા સિદ્ધાર્થ નામના છોકરા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે ત્યારે આ દરમિયાન કેટલાક બદમાશો તેનું અપહરણ કરી લે છે. ત્યારબાદ તે કઇરીતે તેનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરે છે તે આ ફિલ્મમાં જોવાનું છે. ‘અપૂર્વા’ માં તારા સુતરિયા ઉપરાંત અભિષેક બેનર્જી, રાજપાલ યાદવ અને ધૈર્ય કારવા જેવા બોલિવૂડ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 15 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.