ગાંધીનગરટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં PM નો ભવ્ય રોડ શો: ‘ઓપરેશન સિંદૂર’ના નારાથી ગુંજ્યું પાટનગર!

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ગઈકાલે રાજ્યમાં ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાને સંબોધ્યા બાદ, આજે પણ તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4 અને ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયો હતો.

તિરંગા અને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો સાથે ઉષ્માભર્યું સ્વાગત
આ રોડ શોમાં વડા પ્રધાનની એક ઝલક જોવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા, હાથમાં તિરંગા અને ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો સાથે લોકોએ વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ખુલ્લી જીપમાં વડા પ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.

અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
રોડ શો પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મહાત્મા મંદિર પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત, સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કરવામાં કરવાના છે.

શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાને ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નો પણ સમાવેશ થાય છે. રોડ અને બિલ્ડીંગ વિભાગ તેમજ જળ સંસાધન વિભાગ હેઠળ ₹2000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં બનાસકાંઠામાં થરાદ ધાનેરા અને દિયોદર લાખણી પાઇપલાઇન યોજનાઓ મુખ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button