વિસાવદરમાં ઇટાલિયા સામે રાદડિયાનો માસ્ટરસ્ટ્રોક, કડીમાં કોંગ્રેસનો આંતરિક ડખો!

અમદાવાદ: ગુજરાતમાં આગામી પેટાચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. ખાસ કરીને વિસાવદર અને કડી બેઠકો પર રાજકીય કાવાદાવા અને વ્યૂહરચનાઓ પૂરબહારમાં ચાલી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) એ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે, જેના જવાબમાં ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવીને માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. જો કે સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત કરવામાં હજુ આવી નથી.
આગામી પેટાચૂંટણીમાં સૌથી વધુ જે બેઠક ચર્ચાનું કેન્દ્ર હોય તો તે છે વિસાવદર બેઠક. આ બેઠક પર પાટીદાર કાર્ડ રમવામાં આવી શકે છે. વિસાવદરમાં આપ દ્વારા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે અને હવે આ બેઠક પર ભાજપ ઉપરાંત કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જો આ ત્રણેય મુખ્ય પક્ષો પાટીદાર ઉમેદવારો ઉતારશે, તો વિસાવદરમાં પાટીદાર મતોનું વિભાજન થવાની શક્યતા છે. આ સંજોગોમાં, ભાજપ AAPમાંથી રાજીનામું આપનારાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાને ઉતારે તેવી પણ પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.
બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને રાજકીય ડખાં યથાવત જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે ધરાર ના પાડી દેતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને આ જવાબદારી સોંપવી પડી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે, જે કોંગ્રેસની આંતરિક સ્થિતિને વધુ જટિલ બનાવે છે. કડી બેઠક પર ભાજપ પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા પર પસંદગી ઉતારે તેવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસ પણ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટિકિટ આપે તેવી ચર્ચા છે.
ચૂંટણી પ્રચારમાં દિગ્ગજોનો ધસારો
આગામી 30 મેના રોજ AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરશે, ત્યારે AAP સુપ્રિમો અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, અને દિલ્હીના પૂર્વ મંત્રી આતિશી પણ હાજર રહેશે. આ દર્શાવે છે કે AAP આ બેઠકને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. આમ, કડી અને વિસાવદરની પેટાચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો સંપૂર્ણપણે સક્રિય બન્યા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ વેગવાન બનશે.
આપણ વાંચો : ગુજરાતમાં હવે કડી અને વિસાવદરની બેઠક બનશે ‘કુરુક્ષેત્ર’: 2 બેઠક માટે અનેક દાવેદારો મેદાનમાં