
નવી દિલ્હી: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI સેવાઓમાં મહત્ત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ UPI નેટવર્ક પરનો ભાર ઘટાડવાનો અને સેવાઓને વધુ સુચારુ બનાવવાનો છે. નવા નિયમો હેઠળ, બેંકો અને UPI સેવા પ્રદાન કરતી કંપનીઓ માટે હવે દરેક સફળ ટ્રાન્ઝેક્શન બાદ ગ્રાહકોને બેલેન્સની જાણકારી મોકલવી ફરજિયાત બનશે, જેથી ગ્રાહકોએ વારંવાર બેલેન્સ તપાસવાની જરૂર ન પડે.
બેલેન્સ તપાસવા અને ખાતાની વિગતો મેળવવા પર મર્યાદા
નવા નિયમો અનુસાર ગ્રાહક હવે કોઈપણ એક એપ પરથી એક દિવસમાં મહત્તમ 50 વખત જ બેલેન્સ તપાસી શકશે. જો ગ્રાહક Paytm અને PhonePe બંનેનો ઉપયોગ કરતો હોય, તો તે બંને પર અલગ-અલગ 50 વખત બેલેન્સ તપાસી શકશે. જોકે, વ્યસ્ત સમયગાળા એટલે કે સવારે 10 થી બપોર 1 અને સાંજે 5 થી રાત્રે 9:30 દરમિયાન બેલેન્સ તપાસવા જેવી રિક્વેસ્ટ પર મર્યાદા મૂકવામાં આવશે અથવા તેને અટકાવવામાં આવશે.

બેંકો માટે ઓડિટ ફરજિયાત અને અન્ય ફેરફારો
NPCI એ બેંકો માટે પણ કડક નિયમો બનાવ્યા છે. દરેક સંબંધિત બેંકને વર્ષમાં એકવાર માન્યતા પ્રાપ્ત ઓડિટર્સ પાસેથી સિસ્ટમનું ઓડિટ કરાવવું પડશે. પ્રથમ ઓડિટ રિપોર્ટ 31 ઓગસ્ટ 2025 સુધીમાં જમા કરાવવો ફરજિયાત રહેશે. NPCI એ સ્પષ્ટ કર્યું છે કે આ 10 સુવિધાઓમાંથી ફક્ત એક (ઓટોપે મેન્ડેટ્સ) જ નાણાકીય છે, જ્યારે બાકીની નવ બિન-નાણાકીય છે. તેથી પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા જેવા UPI વ્યવહારો આ મર્યાદાઓથી પ્રભાવિત થશે નહીં. અન્ય ફેરફારોમાં UPI ઓટોપે મેન્ડેટ્સ હવે ફક્ત બિન-વ્યસ્ત કલાકો દરમિયાન જ સક્રિય થશે અને વ્યવહારની સ્થિતિ તપાસવા માટેની પ્રથમ વિનંતી મૂળ વ્યવહારના 90 સેકન્ડ પછી જ કરી શકાશે.
આપણ વાંચો : હવે પેટ્રોલ પંપ પર UPI વડે પેમેન્ટ નહીં થઇ શકે; આ કારણે લેવામાં આવ્યો નિર્ણય