આમચી મુંબઈ

‘ચૅટિંગ સ્કેમ’ માટે માનવ તસ્કરીનું રૅકેટ: સુરતના યુવાનની ધરપકડ…

સુરતના જ કમ્પ્યુટર ઍપ્લિકેશનના નિષ્ણાત બે યુવાનને લાઓસ લઈ જતો હતો યુવાન: ઈમિગ્રેશન અધિકારીની સતર્કતાથી ઝડપાઈ ગયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાના નાગરિકોનો ફેસબુક ચૅટિંગના માધ્યમથી સંપર્ક સાધી કથિત છેતરપિંડી કરવાના ‘ચૅટિંગ સ્કેમ’ માટે માનવ તસ્કરી કરવાના રૅકેટ સાથે સંકળાયેલા સુરતના યુવાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. બે વર્ષ સુધી સફળતાપૂર્વક સ્કૅમમાં કામ કરનારો આરોપી યુવાન સુરતના જ કમ્પ્યુટર ઍપ્લિકેશનના નિષ્ણાતોને ઊંચા વેતનની લાલચે લાઓસ લઈ જઈ રહ્યો હતો, પરંતુ ઈમિગ્રેશન અધિકારીની સતર્કતાથી ઝડપાઈ ગયો હતો.

સહાર પોલીસે ધરપકડ કરેલા યુવાનની ઓળખ પાર્થકુમાર અજયભાઈ ચૌહાણ (29) તરીકે થઈ હતી. ચૌહાણ જે બે યુુવકને પોતાની સાથે લાઓસ લઈ જઈ રહ્યો હતો તેમને પણ પોલીસે પૂછપરછ માટે તાબામાં લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચૌહાણ 20 અને 21 વર્ષના બે યુવકને લઈ રવિવારની રાતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચ્યો હતો. ત્રણેય જણ મધરાતે 12.40 વાગ્યાની ફ્લાઈટથી વિયેતનામ જવાના હતા અને ત્યાંથી બીજી ફ્લાઈટમાં લાઓસ પહોંચવાના હતા.

જોકે બોર્ડિંગ પાસ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ઈમિગ્રેશન અધિકારીને ચૌહાણ પર શંકા ગઈ હતી. તેને વધુ પૂછપરછ માટે વરિષ્ઠ અધિકારી સમક્ષ લઈ જવાયો હતો. ચૌહાણની આકરી પૂછપરછમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ચૌહાણ અગાઉ બે વખત લાઓસ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈના એજન્ટ મારફત તે 2022 અને 2024માં એક-એક વર્ષ માટે લાઓસ ગયો હતો. અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાના નાગરિકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચે છેતરવાના કૌૈભાંડ સાથે સંકળાયેલી ટોળકી માટે ચૌહાણ કામ કરતો હતો.

બબ્બે વખત સફળ થયેલો ચૌહાણ ત્રીજી વખત પોતાની સાથે સુરતના બે યુવકને લઈ જતો હતો. બેચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનનો અભ્યાસ કરનારા બન્ને યુવકને મહિને 60થી 70 હજાર રૂપિયાના પગારની નોકરીની લાલચ અપાઈ હતી. જોકે તેમને ચૅટિંગ સ્કેમની જાણકારી અપાઈ નહોતી. માત્ર લાઓસમાં કમ્પ્યુટર પર કામ કરવાની નોકરી હોવાનું બન્નેને કહેવામાં આવ્યું હતું, એવું પોલીસ તપાસમાં જણાયું હતું.

આપણ વાંચો : ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button