અમદાવાદટોપ ન્યૂઝ

એજન્ટોની છેતરપિંડી પર લાગશે લગામ: વાહન નોંધણી માટે હવે આધાર-લિંક્ડ મોબાઈલ ફરજિયાત!

અમદાવાદ: એજન્ટોની છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અમદાવાદ આરટીઓ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વાહન નોંધણી માટે વાહન માલિકના આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઇલ નંબર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા આ નિર્ણય ત્યારબાદ લેવામાં આવ્યો છે જ્યારે એક એજન્ટે સુભાષ બ્રિજ RTO ખાતે વાહન માલિકોને બાયપાસ કરીને 50 જેટલાં વિવિધ વાહનો માટે પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

અગાઉની ખામી અને તેના પરિણામો
આ પૂર્વે એક એવી છટકબારી હતી જે એજન્ટો અથવા મધ્યસ્થીઓને તેમના પોતાના મોબાઈલ નંબર નોંધણી ફોર્મમાં દાખલ કરવાની મંજૂરી આપતી હતી. આના પરિણામે વાહન ટ્રાન્સફર OTP, વીમા સંબંધિત ચેતવણીઓ, પાલન નોટિસ અને ચલણ જેવી મહત્ત્વપૂર્ણ અપડેટ્સ ખોટા વ્યક્તિને મોકલવામાં આવતી હતી.

હવે ફક્ત આધાર કાર્ડમાં રહેલા નંબરથી થશે રજીસ્ટ્રેશન
જો કે તેના કારણે કટોકટી અથવા કાયદાકીય બાબતો દરમિયાન વાસ્તવિક વાહન માલિકનો સંપર્ક કરવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ હવે RTOએ નોંધણી અથવા પુનઃનોંધણી પ્રક્રિયાઓ દરમિયાન ફક્ત વાહન માલિકના આધાર સાથે લિંક થયેલા મોબાઇલ નંબરને જ સ્વીકારવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી વાહન માલિકના નોંધણી ફોર્મમાં લખેલો ફોન નંબર માલિકના ફોન નંબર તરીકે નોંધવામાં આવતો હતો, જેના ઘણા ગેરફાયદા હતા. હવે ફક્ત આધાર કાર્ડમાં રહેલો ફોન નંબર જ નોંધવામાં આવશે.”આ નવા નિયમથી વાહન વ્યવહારમાં પારદર્શિતા વધે અને છેતરપિંડીના કિસ્સાઓ ઘટશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button