એકસ્ટ્રા અફેર: ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, આગાહી કરાઈ છે…

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારત ખરેખર સત્તાવાર રીતે જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે ? નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (CEO) બી.વી.આર સુબ્રહ્મણિયમે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ એલાન કર્યું પછી ચોતરફ ભારત વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયું હોવાની વધાઈઓ ખવાઈ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને શનિવારે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી પછી પત્રકાર પરિષદમાં સુબ્રહ્મણિયમે ભારતીય અર્થતંત્રની સિધ્ધી વિશે માહિતી આપી પછી સોશિયલ મીડિયામાં તો દેશપ્રેમનું પૂર જ આવી ગયું છે પણ મેઈનસ્ટ્રીમ મીડિયાએ પણ આ સમાચારને હેડલાઈન બનાવીને એવું ચિત્ર ઊભું કરી દીધું છે કે, ભારતની જીડીપી ખરેખર 4 ટ્રિલિયન ડોલરને પાર થઈ ગઈ છે અને ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વાસ્તવિકતા એ છે કે, ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી આર્થિક મહાસત્તા બની નથી પણ બની શકે છે એવી આગાહી કરાઈ છે. અત્યારે તો ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર જ છે અને જાપાન કરતાં પાછળ જ છે પણ ભારત ધારણા પ્રમાણે આર્થિક વિકાસ કરશે તો 2026ના માર્ચ સુધીમાં વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર હશે.
મજબૂત સ્થાનિક માગ, અનુકૂળ વસ્તી વિષયક વલણો અને નીતિગત સુધારાઓને કારણે છેલ્લાં કેટલાંક વરસોથી ભારતનું અર્થતંત્ર વાર્ષિક 6-7 ટકાનો વિકાસ દર જાળવી રહ્યું છે, આ જ વિકાસ દર ચાલુ રહે તો ભારત 2025ના અંત સુધીમાં પણ વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જઈ શકે એવી આગાહ થઈ છે.
વિશ્વમાં ક્યા દેશની જીડીપી કેટલી છે અને ક્યા દેશના અર્થતંત્રનું રેન્કિંગ કેટલું છે એ નક્કી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) કરે છે. આઈએમએફ દ્વારા સત્તાવાર રીતે ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું હોવાની જાહેરાત પણ કરાઈ નથી.
સુબ્રહ્મણિયમે આઈએમએફના ડેટાનો હવાલો આપીને દાવો કર્યો કે, હવે આ ક્ષણે આપણે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છીએ અને આપણે 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બન્યા છીએ. હવે જાપાન કરતા ભારતનું અર્થતંત્ર મોટું છે અને જીડીપીના મામલે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે.
નીતિ આયોગના સીઈઓએ એવો દાવો પણ કર્યો કે, આપણે આપણા આયોજન અને વિચારો પર ટકી રહીશું તો અઢી-ત્રણ વર્ષમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. સુબ્રહ્મણિયમે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટાનો હવાલો આપીને ભારત ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું એવો દાવો કર્યો પણ વાસ્તવમાં આઈએમએફના રિપોર્ટમાં એવું કશું કહેવાયું નથી.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દર 6 મહિને એટલે કે વરસમાં બે વાર વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ બહાર પાડે છે. એપ્રિલમાં અને ઓક્ટોબરમાં એમ વરસમાં બે વાર આ રિપોર્ટ આવે છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં વૈશ્વિક આર્થિક વલણો અને નીતિગત પડકારોની ચર્ચા કરાય છે અને તેના આધારે આગાહીઓ કરાય છે. આ રિપોર્ટ દુનિયાભરના દેશો ટૂંકા અને મધ્યમ ગાળામાં કેવો આર્થિક વિકાસ કરશે તેની શક્યતાઓ સંભાવનાઓનું વિશ્ર્લેષણ રજૂ કરે છે.
એપ્રિલમાં બહાર પડાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતનું અર્થતંત્ર સારી પ્રગતિ કરશે એવી આગાહી કરાઈ છે. આ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2026 એટલે કે 31 માર્ચ, 2026 સુધીમાં ભારતની નોમિનલ જીડીપી લગભગ 4.187 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે જ્યારે જાપાનની નોમિનલ જીડીપી 4.186 ટ્રિલિયન ડોલર કરતાં થોડીક વધારે હશે. મતલબ કે, ભારતની જીડીપી જાપાનની જીડીપીથી નજીવી વધારે હશે તેથી ભારત જાપાનને છોડીને ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
આ રિપોર્ટ પ્રમાણે ભારત 2025માં જ જાપાનને પાછળ છોડીને ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જાય એવી શક્યતા છે અને 2028 સુધીમાં ભારત જર્મનીને પછાડીને અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી આર્થિક મહાસત્તા હશે. આઈએમએફની વેબસાઈટ પર આ રિપોર્ટ પડ્યો જ છે ને જેમને વિશ્વાસ ના બેસતો હોય એ લોકો સત્ય તપાસી જ શકે છે.
ટૂંકમાં આ બધી આગાહીઓ છે અને આપણે આશા રાખીએ કે, આ આગાહીઓ સાચી પડે. હજુ મે મહિનો ચાલે છે અને 2026નું નાણાકીય વર્ષ પૂરું થવા આડે હજુ 10 મહિના બાકી છે એ જોતાં આ આગાહીને સાચી પાડવા માટે ભારત પાસે પૂરતો સમય છે પણ અત્યારથી ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ કરવાની જરૂર નથી.
નીતિ આયોગના સીઈઓએ આગાહીને આજની વાસ્તવિકતા ગણાવીને જૂઠાણું કેમ ચલાવ્યું તેની તેમને જ ખબર પણ દેશનાં લોકોએ અતિ ઉત્સાહમાં આવી જવાના બદલે એક અત્યંત મહત્ત્વની વાત વિચારવા જેવી છે કે સરકારના વડા એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પોતાના શાસનકાળમાં મેળવેલી સિદ્ધિ વિશે ચૂપ છે ને નીતિ આયોગના સીઈઓ વધાઈઓ ખાય છે.
શનિવારે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી પછી પત્રકાર પરિષદમાં સુબ્રહ્મણિયમે ભારત ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું હોવાનો દાવો કર્યો. સવાલ એ છે કે, થોડા કલાકો પહેલાં નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બેઠકમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં આ જાહેરાત કેમ ના કરી?
ખરેખર ભારત ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું હોય તો આ સિદ્ધિ મોટી ગણાય ને તેની જાહેરાત વડા પ્રધાને કરી જ હોત પણ મોદીએ ના કોઈ જાહેરાત કરી કે ના કોઈ ઉલ્લેેખ કર્યો કેમ કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આગાહી કરાઈ છે, ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું હોવાની સત્તાવાર જાહેરાત નથી કરાઈ તેની મોદીને ખબર જ છે. બાકી મોદીએ સત્તાવાર રીતે જ આ જાહેરાત કરી હોત અને પોતાના છેલ્લા બે દિવસના કાર્યક્રમોમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હોત. તેના બદલે મોદી આ મુદ્દે બિલકુલ ચૂપ છે.
આ સમાચારે મીડિયાની વિશ્વસનિયતા સામે પણ સવાલ ઊભા કર્યા છે. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી દે ને મીડિયા તેના આધારે હઈસો હઈસો કરીને સમાચાર છાપી નાંખે એ શરમજનક કહેવાય. મીડિયાનું કામ લોકો સામે સત્ય મૂકવાનું છે અને એ સત્ય ચકાસણી કરેલું હોવું જોઈએ. કોઈએ રજૂ કરેલા જૂઠાણાંને સત્ય તરીકે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા અક્ષમ્ય અપરાધ છે.
આપણ વાંચો : ચીનને પછાડવાનો કોરિડોર કાગળ પર ના રહે તો સારું