ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 સભ્યોની સામૂહિક આત્મહત્યા; કારમાંથી મળી આવ્યા મૃતદેહ…

ચંદીગઢ: હરિયાણાના પંચકૂલા શહેરમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દેહરાદૂનથી આવેલા એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પંચકૂલાના સેક્ટર 27માં બની હતી અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી દીધી છે.

એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યા
મળતી વિગતો અનુસાર એક જ પરિવારના સાત સભ્યોએ કારમાં ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. તમામ સાત મૃતદેહો પંચકૂલાના સેક્ટર 27માં એક મકાનની બહાર રસ્તા પર ઉભેલી કારમાંથી મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ દેહરાદૂનનો પરિવાર ભારે દેવામાં ડૂબેલો હતો અને આર્થિક તંગીથી પરેશાન થઈને તેમણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

મૃતકોની ઓળખ
મૃતકોમાં દેહરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ , તેમના માતા-પિતા, પ્રવીણની પત્ની અને બે પુત્રીઓ તેમજ એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે, તેમાં શું લખ્યું છે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી, અને પોલીસ તેની તપાસ કરી રહી છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ
તમામ સાત મૃતદેહોને પંચકૂલાની ખાનગી હોસ્પિટલોના શબઘરમાં રાખવામાં આવ્યા છે. આ મામલાની જાણ થતાં જ પંચકૂલાના ડીસીપી અને ડીસીપી લો એન્ડ ઓર્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગયા હતા. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ માટે જરૂરી નમૂના એકત્રિત કર્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતી કે, “એક જ પરિવારના 7 લોકોએ કારમાં ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. પરિવાર ઉત્તરાખંડના દેહરાદૂનથી ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથામાં ભાગ લેવા આવ્યો હતો. ડીસીપીના જણાવ્યા અનુસાર, પરિવાર ભારે દેવામાં ડૂબેલો હતો. કદાચ આ જ કારણોસર તેમણે આ પગલું ભર્યું હતું. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.”

આપણ વાંચો : શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ થતા લોકોના શ્વાસ રૂંધાયા, ભાગદોડમાં એકનું મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button