ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી…

અમદાવાદ : દેશમાં કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ આજે ગરમીથી આંશિક રાહત મળશે. રાજયના હવામાનમાં પણ ફેરફાર નોંધાયો છે. રાજયના સોમવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે અમદવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. તેમજ હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ડાંગના સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
કચ્છમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.