પાકિસ્તાન જશે ફરી ગ્રે લિસ્ટમાં? FATF બેઠકમાં ભારત રજૂ કરશે ટેરર ફંડિંગના ‘પાકા’ પુરાવા!

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદને નાથવા માટે મક્કમ મનોબળ બનાવી લીધું છે અને હવે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર પાકિસ્તાનની આતંકવાદી નીતિઓને ખુલ્લી પાડવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનની ટેરર ફંડિંગ સંબંધિત નક્કર અને પાકા પુરાવા એકઠા કર્યા છે, જેને આગામી FATFની બેઠકમાં ડોઝિયર તરીકે રજૂ કરવામાં આવશે. ભારતનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનને ફરીથી FATFની ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો છે, જેથી તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારી શકાય.
પાકિસ્તાન દ્વારા IMF ભંડોળનો દુરુપયોગ
ભારત દ્વારા તૈયાર કરાયેલા આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન તેના કુલ બજેટનો 18 ટકા હિસ્સો સંરક્ષણ બાબતો અને સેવાઓ પર ખર્ચે છે. આ પ્રમાણ સંઘર્ષગ્રસ્ત દેશોના સરેરાશ ખર્ચ કે જે સામાન્ય રીતે 10 થી 14 ટકાની વચ્ચે હોય છે તેની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધુ છે.
ભારતનો સૌથી ગંભીર આરોપ એ છે કે પાકિસ્તાને IMF પાસેથી મળેલી આર્થિક સહાયનો દુરુપયોગ કર્યો છે. ભારતના મતે, 1980 થી 2023 દરમિયાન, જે વર્ષોમાં પાકિસ્તાનને IMF પાસેથી આર્થિક મદદ મળી, તે વર્ષોમાં તેના હથિયારોની આયાતમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ દર્શાવે છે કે પાકિસ્તાન આર્થિક સહાયનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડવા અને શસ્ત્રો ખરીદવા માટે કરી રહ્યું છે.
વધતું દેવું, વધતો ખતરો
ભારતે ડેટાના આધારે એ પણ દર્શાવ્યું છે કે પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે. આ સાથે સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ એ વાત દર્શાવે છે કે પાકિસ્તાન ટેક્સ આવકમાંથી નહીં, પરંતુ ઉધાર લઈને શસ્ત્રો ખરીદી રહ્યું છે અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. FATF સમક્ષ આ પુરાવા રજૂ કરીને ભારત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠેરવવા અને વૈશ્વિક આતંકવાદ સામેની લડાઈમાં વધુ કડક પગલાં લેવા દબાણ બનાવવાની આશા રાખે છે.
આ પણ વાંચો…ભારતના સખત વિરોધ છતાં IMF પાકિસ્તાનને ભંડોળ આપવા પર અડગ! શું છે IMFનો જવાબ?