ઓપરેશન સિંદૂરની નવી તસવીરો; વોર રૂમમાંથી ત્રણેય સેનાના વડા આ રીતે રાખી રહ્યા હતાં નજર

નવી દિલ્હી: 6 અને 7 મે 2025 ની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશ સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતાં. આ રીતે ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. ભારતે આતંકવાદી ટાર્ગેટ્સ પર સચોટ હુમલા કર્યા હતાં, ભારતની આ કાર્યવાહીને દુનિયાભરથી સમર્થન મળી રહ્યું છે.
ભારતીય સેનાએ તેના કર્મચારીઓ માટે ઓપરેશન સિંદૂર અંગે એક બુકલેટ બહાર પાડી છે. આ બુકલેટમાં ‘ઓપરેશન રૂમ’ની શાનદાર તસ્વીરો જાહેર કરવામાં આવી છે. તસ્વીરોમાં જોવા મળે છે કે સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓને ‘ઓપરેશન સિંદૂર’નું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સામે લાગેલી સંખ્યાબંધ સ્ક્રીન પર ઓપરેશનની લાઈવ પ્રસારણ થઇ રહ્યું છે અને સ્ક્રીન પર લાઈવ ફીડ બતાવવમાં આવી રહ્યું છે.
અન્ય તસ્વીરોમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ ડીકે ત્રિપાઠી, એર ચીફ માર્શલ એપી સિંહ અને એક વરિષ્ઠ સેના અધિકારી વોર રૂમમાં ચર્ચા કરતા જોવા મળે છે.

બીજા ફોટામાં, જનરલ દ્વિવેદી અને વરિષ્ઠ અધિકારીઓ ઓપરેશન સિંદૂર દરમિયાન સ્ક્રીન પર નજર રાખીને બેઠેલા જોવા મળે છે. બંને અધિકારીઓ ડ્રોન ફૂટેજ, સેટેલાઇટ ઈમેજ જોઈ રહ્યા છે અને ઓપરેશન પર રીયલ ટાઈમ અપડેટ્સ લઈ રહ્યા છે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આવેલા બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, ચકમારો, કોટલી, ભીમ્બર, ગુલપુર અને PoKના મુઝફ્ફરાબાદમાં બે સ્થળોએ હુમલા કર્યા હતાં. આ હુમલામાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ (JeM), હિઝબુલ મુજાહિદ્દીન અને અન્ય કેટલાક આતંકવાદી સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય લશ્કરી, ઓપરેશનલ અને ટ્રેનીંગ સેન્ટરને નષ્ટ કરવામાં આવ્યા હતાં.