અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં હજુ 7 દિવસ વાવાઝોડા સાથે રહેશે વરસાદી માહોલ: અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ હવે મુંબઇ સુધી પહોંચી ગયું છે અને હવે આગામી દિવસોમાં ગુજરાતમાં દસ્તક આપી શકે છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે, 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો પણ ફૂંકાવાની શક્યતા છે. આ બદલાતા હવામાનને પગલે ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.

ચાર દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 29 મે સુધી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.

30મી બાદ ઘટશે વરસાદનું જોર

ત્યારબાદ 30 મે થી 2જી જૂન સુધીમાં વરસાદનું જોર થોડું ઘટશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલી; તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આજે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દસ્તક દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મરાઠવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલું ઓછું દબાણવાળું ક્ષેત્ર અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પરનું ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી રહ્યું છે. આગામી ૩ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટેની પરિસ્થિતિઓ અનુકૂળ છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી એકનું મોત, 48 લોકોને બચાવાયા; બચાવ કામગીરી ચાલુ છે: ફડણવીસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button