નંદુરબારમાં ભજનથી પરત ફરી રહેલી ગુજરાતીઓની કાર ખીણમાં ખાબકી: ત્રણનાં મોત

નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગુજરાતના દેડિયાપાડા તાલુકાના 8 વ્યક્તિમાંથી ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મોલગી વિસ્તારમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી પરત ફરતા સમયે ઈકો કાર ખીણમાં ખાબકી હતી.
મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના મોલગી વિસ્તારમાં એક ભજન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા, કંકાલા અને પાનસર ગામના 8 લોકો ઈકો કારમાં ગયા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા ત્યારે 22 મેના મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મોલગી વિસ્તાર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના પરિણામે કાર જંગલની ઊંડી ખીણમાં ખાબકી હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહેલા મુંબઈના પરિવારની કાર નદીમાં ખાબકીઃ પાંચના મોત
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દેડિયાપાડા તાલુકાના પાનસર ગામના મોહનભાઈ બામણીયા વસાવા (ઉ. વ. 3.9), કંકાલા ગામના જીવણદાસ સૂરદાસ વસાવા (ઉ. વ.40) અને નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામના સુભાષભાઈ ફુલજીભાઈ (ઉ. વ.48)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કારમાં સવાર અન્ય પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે અક્કલકુવા અને નંદુરબારની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.