‘રણ નહીં, ગુજરાતનું તોરણ છે કચ્છ’ વડાપ્રધાન મોદીએ કચ્છી લોકોના ખમીરને બિરદાવ્યું,

ભુજ: વડાપ્રધાન મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે (PM Modi on Gujarat visit) આવ્યા છે. આજે સવારે વડોદરામાં રોડ શો અને દાહોદમાં જાહેર સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી કચ્છ જીલ્લામના વડામથક ભુજ (Bhuj)પહોંચ્યા હતાં. વડાપ્રધાને ભૂજમાં 53 હજાર કરોડથી વધુના વિકાસ કર્યોની શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. ભુજમાં જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને કચ્છ અને કચ્છ લોકો સાથેની તેમની જૂની યાદો તાજી કરી હતી.
વડાપ્રધાન મોદી આજે સાંજે ભુજ એરપોર્ટથી મિરઝાપુર રોડ સુધી રોડ શો કર્યો હતો. વડાપ્રધાન મોદીને આવકારવા ભુજ અને કચ્છ જીલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. રોડ શો બાદ વડાપ્રધાન સભા સ્થળે પહોચ્યાં હતાં, જ્યાં પહેલા તેઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજ રન વે બનાવવામાં સિંહફાળો આપનાર મહિલાઓએ મળ્યા હતાં અને તેમના આશીર્વાદ લીધા હતાં.
વડાપ્રધાને મોદીએ તેમાં સંબોધનની શારૂઆત કચ્છી ભાષામાં કરી હતી, તેમણે કચ્છી ભાષામાં સ્વતંત્ર સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા અને કચ્છી ભાઈ બહેનોને રામ રામ કર્યાં. તેમણે મા આશાપુરાને પણ વંદન કર્યા.
‘કચ્છ સાથે જુનો સંબંધ’
વડાપ્રધાને કચ્છ સાથેના તેમની યાદોને તાજી કરતા કહ્યું, “મારો કચ્છ સાથેનો સંબંધ ઘણો જૂનો છે. હું કચ્છ આવવાનું રોકી નથી શકતો. રાજકારણમાં નહોતો ત્યારે પણ કચ્છની ધરતી પર અવારનવાર આવતો રહેતો. કચ્છના ખુણે ખુણામાં જવાની તક મળી. અહીંના આત્મવિશ્વાસથી ભરેલા લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યાં છે. લોકો ગણતા રહેતા હતા કે રાજ્યના મુખ્ય પ્રધાન કેટલી વખત કચ્છ આવે છે. કેટલાક લોકો તો કહેતા હતા કે મોદીજીએ સદી ફટકારી છે. અનેક ગામમાં જવું, મારા કાર્યકર્તાઓના ઘરે જવું, લોકોને મળવું, કાર્યલયમાં જઇને બેસવું, મારા સ્વાભાવિક ગતિવિધિનો ભાગ હતો.”
‘કચ્છ પર મા નર્મદાએ કૃપા કરી’
કચ્છમાં નર્મદાનું પાણી આવ્યું એ ક્ષણને યાદ કરતા તમણે કહ્યું, “વર્તમાન પેઢીને તો ખબર જ નહીં હોય, આજે કચ્છમાં જીવન ઘણુ સરળ બની ગયું છે, પણ અગાઉ સ્થિતિ અલગ હતી. નર્મદાનું પાણી પહેલીવાર કચ્છની ધરતી પર આવ્યું તે દિવસ કચ્છ માટે દિવાળી બની ગયુ હતું અને આવી દિવાળી કચ્છે પહેલા ક્યારેય જોઇ ન હતી. પાણી માટે સદીઓથી તરસતા કચ્છ પર મા નર્મદાએ કૃપા કરી અને મારૂ સૌભાગ્ય છે સુકી ધરતી પર પાણી પહોંચાડવાના કાર્યમાં મને નિમિત બનવાની તક આપી.”
કચ્છના લોકોના ખમીરવંતા:
કચ્છના લોકોના ખમીરને બિરદાવતા તેમણે કહ્યું, “મેં જોયું છે કે કચ્છમાં પાણી નહતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર હતા, તેમનો જુસ્સો હંમેશા જોવા લાયક હતો. જે ભૂમિ પર હજારો વર્ષ પહેલા ધોળાવીરા શહેર વસેલું હતું, તે ભૂમિમાં જરૂર કોઇ તાકાત હોવી જોઇએ. કચ્છે બતાવી દીધુ કે આશા અને પરિશ્રમથી સ્થિતિને બદલી શકાય છે. જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે બધુ ખતમ થઇ ગયું, હવે કઇ ના થઇ શકે. કચ્છ મૃત્યુની ચાદર ઓઢીને ઉંઘ્યુ હતું, કચ્છી ખમીર પર મારો વિશ્વાસ હતો. ભૂકંપ સમયે પણ મેં આ વિશ્વાસ ગુમાવ્યો નહતો. કચ્છનો ક અને ખમીરનો ખ એવુ બાળકોને ભણાવવું જોઈએ. “
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે રૂ.50 હજાર કરોડથી વધુના વિકાસ કર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. એક સમય હતો જ્યારે આખા ગુજરાતમાં 50 હજાર કરોડની યોજના સાંભળવા મળતી ન હતી. આજે એક જિલ્લામાં 50 હજાર કરોડનું કામ થઇ રહ્યું છે.”
કચ્છ ગ્રીન એનર્જીનું હબ બનશે:
વડાપ્રધાન મોદીએ કહ્યું કચ્છ ગ્રીન એનર્જી માટે દુનિયાનું સૌથી મોટુ કેન્દ્ર બની રહ્યું છે .ગ્રીન હાઈડ્રોજન એક નવા પ્રકારનું ઈંધણ છે. કાર, બસ, સ્ટ્રીટ લાઈટ ગ્રીન હાઈડ્રોજનથી ચાલશે. દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબમાંનું એક કંડલા છે. આજે એક પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પણ મેડ ઈન ઈન્ડિયા છે. કચ્છ ભારતની સૌરક્રાંતિનું મથક છે. દુનિયાના મોટા સોલાર પ્લાન્ટમાંનો એક કચ્છ બની રહ્યો છે.
‘કચ્છ ગુજરાતનું તોરણ’
કચ્છના વિકાસ અંગે વડાપ્રધાને કહ્યું કે, “આપણે આધુનિક જહાજનું નિર્માણ કરીને નિકાસ કરીશું. કંડલા અને મુંદરા પોર્ટની કેપેસિટી વધારાઈ છે. અહીં નવી જેટી બનાવી છે. દેશના બંદરોએ 15 હજાર કરોડના કાર્ગો હેન્ડલ કર્યાં છે. દરેક જગ્યાએ કચ્છની બાંધણી અને બ્લોક પ્રિન્ટિંગી ગૂંજ સંભળાય છે. આ વારસો કચ્છના વિકાસની પ્રેરણા બની છે. કચ્છનો રણોત્સવ નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. એક સમયે કહેવાતું આ તો રણ છે, અહીં શું થાય? એ વખતે હું કહેતો હતો આ રણ નહીં આ તો મારા ગુજરાતનું તોરણ છે.’