નેશનલ

ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ: સ્ટારલિંક સસ્તા પ્લાન સાથે ભારતમાં, સુરક્ષા માટે સરકારનું મોટું રોકાણ

નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં એલોન મસ્કનું સ્ટારલિંક, એમેઝોન ક્યુઇપર અને એરટેલની ભાગીદારી ધરાવતું યુટેલસેટનું OneWeb જેવી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સેવાઓ શરૂ કરતા પહેલાં વ્યાપક તૈયારીઓ કરી લીધી છે અને આ માટે ₹900 કરોડથી વધુનું મોટું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રોજેક્ટ માટે ₹930 કરોડના બજેટની ફાળવણી

મીડિયા અહેવાલ અનુસાર ભારત સરકાર સેટેલાઇટ સેવાઓની દેખરેખ માટે એક વિશેષ મોનિટરિંગ સુવિધા સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ માટે ₹930 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા ભારતીય સીમામાં કાર્યરત સ્વદેશી અને વિદેશી બંને પ્રકારના સેટેલાઇટ્સ પર નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ ફેસિલિટી સ્થાનિક અને વૈશ્વિક કામગીરીની દેખરેખ માટે ઉપયોગી થશે.

નવી ટેલિકોમ નીતિ અને કડક નિયમો

સરકાર આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા નવી ટેલિકોમ નીતિમાં જરૂરી જોગવાઈઓ ઉમેરશે. આ માટે ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન (DCC) હેઠળ એક આંતર-મંત્રાલય પેનલની રચના કરવામાં આવશે. આ સુવિધા કાર્યરત થયા બાદ ભારતમાં કોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડતા સ્થાનિક અને વિદેશી સેટેલાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવશે. દેખરેખ ઉપરાંત, સેટેલાઇટ સેવાઓને વધારે ઉપયોગી બનાવવા માટે પરસ્પર સહયોગ પણ કરવામાં આવશે. હાલમાં, લો-અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ દ્વારા કોમ્યુનિકેશન સેવાઓ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

તે ઉપરાંત ટેલિકોમ વિભાગે સેટેલાઇટ સેવાઓ શરૂ કરતા પહેલાં નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે સેટેલાઇટ સેવા પ્રદાતાઓને 30 થી વધુ નવા નિયમોનું પાલન કરવું પડશે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કઈ કંપનીઓને ભારતમાં સેવા શરૂ કરવાની પરવાનગી આપવી તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર સંબંધિત એજન્સીને રહેશે.

ભારતને સેટકોમ ક્ષેત્રે અગ્રેસર બનાવવાની તૈયારી

સરકાર સેટેલાઇટ કોમ્યુનિકેશનના ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે કટિબદ્ધ છે. આ માટે અનેક સ્ટાર્ટ-અપ કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને નિયમનકારી માળખાને પણ વધુ સરળ બનાવવામાં આવશે જેથી ભારતમાં એક મજબૂત સેટેલાઇટ માર્કેટ સ્થાપિત કરી શકાય. આ પહેલ ભારતના ડિજિટલ કનેક્ટિવિટી લેન્ડસ્કેપમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો…મુંબઈમાં એમટીએનએલ, બીએસએનએલની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકાર પેનલ બનાવશે: સિંધિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button