મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ 12 દિવસ વહેલું આવ્યું છે. ચોમાસુ શરૂ થતાની સાથે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કેટલાક દિવસ સુધી હજી ભારે વરસાદ થવાનો છે. જેના કારણે હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે. આનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે.

આગામી કેટલાક દિવસ સુધી હજી ભારે વરસાદની આગાહી
મુંબઈમાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં અનેક વિસ્તારામાં પાણી ભરાયા હોવાની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાઈ પવન અને વીજળી પડવા જેવી ઘટનાઓ થવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વધુ સાવધાની રાખવા અપીલ કરી છે.
3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના અપાઈ
ભારે વરસાદના કારણે શહેરની અનેક એવી ઇમારતો છે જેને નુકસાન થઈ શકે તેમ છે. જેથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને MHADA એ શહેરમાં 96 એવી ઇમારતો ઓળખી કાઢી છે જે વરસાદની ઋતુ દરમિયાન જોખમી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પાણી ભરાવવાની સમસ્યાઓ હોવાથી તંત્ર દ્વારા નાળાની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા સૂચના
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, અત્યારે ભારે વરસાદ અને હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું. પાણી ભરાયેલા વિસ્તારોને જવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે. જ્યારે કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલા હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્કૂલો, હોસ્પિટલો અને જાહેર જગ્યાએ આવેલી ઇમારતોમાં પણ સમારકાર કરવાની કામગીરી શરૂ દેવામાં આવી છે.