ધર્મતેજ

પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ સંગીત કે સમયને આધીન નથી હોતા સંત…

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

એમની સંગીત પ્રસ્તુતિથી તત્કાલીન સંગીતજ્ઞોએ અચંબિત બનીને અપૂર્વ અનુભૂતિ અનુભવેલી,એના ઘણાં દૃષ્ટાંતો સ્વામિનારાયણીય સત્સંગ સભામાં પ્રચલિત છે. ‘હરિલીલાચરિત્રસાગર’માં પણ ઉદાત થયેલા છે. એક વખત ગ્વાલિયર રાજ્યના સંગીતજ્ઞ મહાનુભાવો શ્રીહરિના દર્શને અને પોતાની શ્રેષ્ઠ ગણાતી ગાયકીનો પરિચય કરાવવા ગઢપુર પધારેલા. શ્રીહરિએ સંગીત શ્રવણપાન કરીને આદર સત્કાર કરીને રોક્યા.

ગ્વાલિયર ઘરાનાના સંગીત વિશારદો સમક્ષ બીજા દિવસે સંધ્યાસમયે બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને સત્સંગ સભામાં પદગાન શ્રવણ કરાવવા કહૃાું. બ્રહ્માનંદે પ્રભાત સમયે ગવાતા ભૈરવી રાગમાં પોતાની પદરચનાનું ગાન આરંભ્યું. ગ્વાલિયર ઘરાનાના સંગીત નિષ્ણાતો અચંબિત થયા, એમને થયું કે આ સાધુઓને રાગગાનના સમયનું જ્ઞાન-ભાન નથી. પણ ગાનના-રાગના પ્રભાવથી આકાશમાં બ્રહ્મમુહૂર્ત જેવું વાતાવરણ રચાયું.

પછી તુર્ત જ પ્રેમસખી પ્રેમાનંદે ભૈરવરાગમાં ધ્રુપદ ચોપાલથી સ્વરચિત પદ,
‘ચંદન ચરચિત નિલ કલેવર સુંદર
કટી તટ કસ્યો પટ ચીત… ચંદન ચરચિત…’ 108
એ પ્રથમ પદ પછી બીજું અને ચોસરનું ત્રીજું પદ
પ્રિતમ પ્યારે આયે હો પ્રાત
લાલ દેખીકે હસત અતિ સખીવૃંદ… પ્રિતમ… (110)
પ્રસ્તુત કર્યું ત્યાં તો કુકૂર્ટ બોલવા લાગ્યા. પક્ષીઓનો કલરવ અને પ્રાત:કાળનું વાતાવરણ રચાયું.

ગ્વાલિયરના સંગીતસાધકો તો અચરજ પામી ગયા અને તેમણે વિનિતભાવે કહૃાું કે ‘સંતો, સંગીત કે સમયને આધીન નથી પણ સંગીત અને સમય સંતને આધીન હોવાની અહીં પ્રતીતિ થઈ. આવા ભગવત સંતભક્તનું દર્શન અને શ્રવણલાભ મોટી સંપ્રાપ્તિ’. શ્રીહરિએ પણ રાજી થઈને – પ્રેમાનંદસ્વામીને અને ગ્વાલિયરતા સંગીતજ્ઞ મહાનુભાવોને સન્માનિત કરેલા.

બીજો આ પ્રકારનો એક પ્રસંગ ધરમપુર સ્ટેટને સંદર્ભે પણ પ્રચલિત છે. શ્રીહરિની ધરમપુર સ્ટેટમાં પધરામણી હતી. રાત્રિ સભામાં સત્સંગ પછી રાજ્યના ગવૈયાઓએ સુમધુર સંગીત રેલાવ્યું. શ્રીહરિએ પછી સંગીત પ્રસ્તુત કરી રહેલા ગવૈયાઓને કહૃાું કે ‘અમારા સંતો પણ થોડુ ઘણું સંગીત જાણે છે કહીને પ્રેમાનંદ સમક્ષ – દેવાનંદને સંગીત પીરસવાનું કહૃાું. એટલે પ્રેમાનંદ સ્વામીએ સિતારની સંગત કરતા-કરતા સંગીતની પ્રસ્તુતિ કરી અને દેવાનંદ સ્વામીએ સરોદવાદન કરતાં કરતાં સુરફાગ રાગમાં સ્વરચિત રચના રજૂ કરી. બન્નેની શાસ્ત્રીય હલક, સંગીતનું માધુર્ય અને સ્વરરચના – બંદિશથી-રાજયના ગવૈયાઓને એમની આગવી છટા-પ્રતિભાશક્તિમાં પરિચય થયો.

પ્રેમાનંદ સ્વામીએ સ્વયં પણ અનેક સ્થાને પોતાની પદ પ્રસ્તુતિ કર્યાના ઘણાં દૃષ્ટાંતો છે. એમણે મુક્તાનંદ અને બ્રહ્માનંદ પાસેથી શિક્ષણ મેળવેલું. તે છતાં લગભગ બધા સંતો સાથેની એમની જુગલબંધીના દૃષ્ટાંતો એમને, પ્રભુ શ્રીહરિના પરમ વરદાન પ્રાપ્ત ગાયક, વાદક અને નર્તક તરીકેની વ્યક્તિમત્તાને પ્રગટાવે છે. આ છ-સાત વિગતોને એમનાં ચરિત્રનો ભાગ ગણવાની રહે.

આવી પ્રચલિત – પરંપરિત કંઠસ્થ પરંપરાની દંતકથાઓના ઘણાં અભ્યાસો પણ થયા છે.

પ્રેમાનંદ સ્વામીના જીવનચરિત્ર અંગે આવી ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. મને પેરિસ-ફ્રાંસની સોરોબોન યુનિવર્સિટીના પ્રોફે. માલિંઝોએ હેઝિઓગ્રાફી અને લિજન્ડના સંદર્ભે થોડાં પરચાઓ અને દંતકથાઓ વિવિધ પ્રકારની જુદી જુદી પ્રચલિત હોય એના વિશે એક નિબંધ તૈયાર કરવા માટે મારી પાસે સામગ્રી એકત્ર કરાવેલી. ત્યારે મે જીવણસાહેબ, પ્રેમસખી પ્રેમાનંદ, રૂપારાણી અને લીરબાઈ વિશેના પ્રચલિત દંતકથાત્મક પ્રસંગો એકત્ર કરેલા.

પ્રોફે. ડૉ. માલિંઝોને ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કહેલું કે તે નરસિંહ વિશે પ્રચલિત દંતકથાઓની પાછળ સાંસ્કૃતિક સંદર્ભ કારણભૂત હોય છે. ગોપનાથ સ્થળને નરસિંહ સાથે સંબંધ હોવા પાછળ એ દંતકથાના સાંસ્કૃતિક સંદર્ભે ગોપનાથ તે સમયે વૈષ્ણવનું મોટું સ્થાનક હતું. માવો નામનો વૈષ્ણવ કવિ ત્યાં થઈ ગયેલો, કહીને નરસિંહની વ્યક્તિમત્તા સાથે સંકળાયેલી-સંદર્ભાયેલી દંતકથાઓનું ઔચિત્ય સમજાવેલું. સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ મૌખિક પરંપરામાં આવી હોજિયોગ્રાફીમાં જળવાયેલો માનીને પશ્ર્ચિમના તત્ત્વવેત્તાઓ એને બહુ મહત્ત્વની કડી માને છે.

છેલ્લે કુંડળધામના જ્ઞાનજીવનદાસજીએ પ્રેમસખી પ્રેમાનંદના ચરિત્ર વિશે ભૂજમંદિરમાં મહંતપુરાણી સ્વામીશ્રી હરિસ્વરૂપદાસજીની વિગતોને વિશેષ ઉદાહરણો – પ્રમાણોથી સમર્થિત
કરીને ઈ.સ. 2010માં પ્રસ્તુત કરી છે. તે પણ અવલોકી ગયા
છીએ.

પ્રેમાનંદ સ્વામીના જીવન વિશે પ્રચલિત લગભગ બધી જ ચરિત્રાત્મક વિગતો અહીં સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરીને એમના ચરિત્રની જે સમાન રીતેે કડી રૂપ ઘટના બધામાં સંકળાયેલી છે, તે મુજબ પ્રેમાનંદ ગવૈયા ગાયન-વાદન વિદ્યામાં પારંગત હતા.
ત્યજાયેલા તરછોડાયેલા સંતાન હતા. શ્રીહરિને પ્રાપ્ત થયા. શ્રીહરિએ એમને દીક્ષિત કર્યા, સંગીત-સંસ્કૃત જેવાં વિષયોમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરાવ્યું અને પોતાની પાસે અંગત સેવામાં રાખીને એમની સેવાઓ લઈને સાથે જ રાખતા. એમનું અક્ષરધામ ગમન વિ.સે. 1911 કારતક વદી 30ને દિવસે થયેલું, તે ઈ.સ. 1855 વાળા દલપતરામના કથનને સમર્થિત કરે છે.

મને પ્રેમાનંદની પદરાશિમાંનો અભ્યાસ કરતાં કરતાં પ્રેમસખી પ્રેમાનંદ દ્વારા સહજ રીતે એમના પદોમાં આત્મચરિત્રાત્મક વિગતો અને આત્માનુભવને – પ્રસંગલક્ષી પ્રમાણને અનેક સ્થાને ગૂંથી લીધેલા અવલોકન મળ્યા છે. એવા કેટલાક પદો પણ અવલોકીએ…

હો, રસિયા મેં તો શરન તિહારી
નહીં સાધન બળ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગિરધારી… હો.
કડવી તુંબડિયા મેં તો નીચ ભોમિકી, ગુનસાગર ‘પીયા તુંમહી સંવારી…હો.
મેં અતિ દીન બાળક તુમ શરને, નાથ ન દીજો અનાથ વિસારી… હો.
નીજ જન જાની સંભારોગે પ્રીતમ, પ્રેમસખી નીત જાયે બલીહારી… હો.

પોતે અકિંચન, અનાથ અને સામાન્ય નિમ્ન જાતિના હોવાની વિગતને કડવી તુંબડી, નીચ ભોમિ જેવા રૂપકથી નિર્દેશેલ જણાય છે. અત્યંત ગરીબાઈ, દીનતાથી નિર્દેશીને સદાય શરણમાં-ચરણમાં રાખવાનું વિનવતા પ્રેમાનંદ અહીં દીનભક્તિભાવે ભજે છે, એવો વાચ્યાર્થ પદમાંથી પ્રાપ્ત નથી કરવાનો એનો લક્ષ્યાર્થ-વ્યંગ્યાર્થ કાવ્ય-પદમાં નિહિત છે જે એના ચરિત્રાત્મક-વ્યક્તિત્વનો દ્યોતક જણાય છે.

આપણ વાંચો : ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કપૂત ઉદ્ગાતા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button