ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ભારતના રેસિંગ કાર ડ્રાઇવર કુશ મૈનીએ ઇતિહાસ રચ્યો

મૉન્ટે કાર્લો: બેંગ્લૂરુમાં જન્મેલો ફોર્મ્યુલા-2 ડ્રાઇવર કુશ મૈની (Kush Maini) યુરોપના મૉનેકોમાં F-2 રેસિંગ કારની હરીફાઈ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે.

24 વર્ષીય રેસિંગ કાર ડ્રાઈવર કુશ મૈનીએ 24મી મેએ ફોર્મ્યુલા-ટૂ સ્પ્રિન્ટ રેસ જીત્યા બાદ આ અપ્રતિમ સિદ્ધિ મેળવી છે.
યુરોપમાં ફ્રાન્સની નજીક આવેલા મૉનેકો (Monaco Grand Prix) નામના ટચૂકડા દેશની મૉનેકો ગ્રાં પ્રિ નામની સ્પર્ધા મોટરસ્પોર્ટની દુનિયામાં પ્રતિષ્ઠિત મનાય છે અને એમાં કુશ મૈનીએ ભારતને અનેરું ગૌરવ અપાવ્યું છે. તેણે આ મુશ્કેલ રેસ જીતી લીધી ત્યાર બાદ ભારતીય તિરંગા સાથે રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી અને ત્યારે કુશ મૈની ભાવુક થઈ ગયો હતો અને તેણે ગર્વભેર સૌ કોઈનું અભિવાદન ઝીલ્યું હતું.

મૉન્ટે કાર્લો (Monte Carlo) શહેરના માર્ગો પર પહેલી જ વખત ભારતીય રાષ્ટ્રગીત સંભળાયું હતું.

Indian racing car driver Kush Maini creates history

ડૅમ્સ લુકૅસ ઓઇલ વતી આ રેસમાં ભાગ લેનાર કુશ મૈની તમામ સ્પર્ધકોમાં શરૂઆતથી છેક સુધી અગ્રેસર રહ્યો હતો.

કુશ મૈની બીડબલ્યૂટી અલ્પાઇન એફ-વન ટીમનો રિઝર્વ ડ્રાઇવર પણ છે. રવિવારે તેણે તમામ 30 લૅપ સંપૂર્ણ આત્મવિશ્વાસથી પૂરા કર્યા હતા.

કુશ મૈનીની ફોર્મ્યુલા-ટૂમાં આ ત્રીજી સિઝન છે. જુનિયર કેટેગરીની રેસમાં અગાઉ ભાગ લઈ ચૂકેલા રેસિંગ કાર ડ્રાઇવર્સમાં કુશ મૈનીના ભાઈ અર્જુન મૈની અને મુંબઈના જેહાન દારૂવાલાનો પણ સમાવેશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button