એકસ્ટ્રા અફેર

અમેરિકામાં ૨૨ની હત્યા, ગન કલ્ચર પ્લસ ફસ્ટ્રેશનનું પરિણામ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અમેરિકામાં ગોળીબાર નવી વાત નથી અને આખા દેશમાં દરરોજ પાંચ-સાત તો ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. મોલમાં ઘૂસીને કે મોટલમાં કે જાહેરમાં પણ કોઈ પણ વ્યક્તિ ફિલ્મી સ્ટાઈલમાં મશીનગનમાંથી ગોળીઓ છોડી દે તેની અમેરિકામાં બહુ નવાઈ જ નથી. આ ગોળીબારમાં બે-ચાર લોકો મરી જાય તેની પણ નવાઈ નથી ને મીડિયા પણ એવા સમાચારોની તો નોંધ જ નથી લેતું પણ ગોળીબારની થોડી મોટી ઘટના બને પછી તેની નોંધ લેવી જ પડે છે કેમ કે મીડિયા નોંધ ના લે તો સોશિયલ મીડિયા પર બધું આવી જાય છે. મીડિયાએ હવે અંદરોઅંદરની સ્પર્ધા સિવાય સોશિયલ મીડિયા સામે પણ લડવાનું છે તેથી મોટી ગોળીબારની ઘટનાને અવગણી શકાતી નથી.

અમેરિકામાં બુધવારે બનેલી આવી જ મોટી ગોળીબારની ઘટનામાં ૨૨ લોકો માર્યા ગયા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થઈ ગયા. યુએસના એકદમ પૂર્વમાં આવેલા સ્ટેટ મેઈનના લેવિસ્ટન શહેરમાં બનેલી આ ઘટનામાં રોબર્ટ કાર્ડ નામનો ભૂતપૂર્વ લશ્કરી જવાન મુખ્ય શંકાસ્પદ છે. પોલીસે વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે, રોબર્ટ કાર્ડ બુધવારે મોડી સાંજે સિમેંગર બાર અને સ્પેરટાઈમ રિક્રિએશનમાં મશીનગન સાથે ઘૂસી ગયેલો ને અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૨ લોકોનાં ઢીમ ઢાળી દીધાં. આ ઘટના બની એ કાઉન્ટીમાં ઈમર્જન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે કાર્ડને પકડવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું છે અને લેવિસ્ટનમાં લોકોને તેમનાં ઘરની અંદર રહેવા કહ્યું છે કે જેથી કાર્ડ બીજાં ઢીમ ના ઢાળી દે.

અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ છે અને એક સમયે દુનિયાના સૌથી સલામત દેશ તરીકે પણ તેની ગણતરી થતી હતી. આ દેશની ધીરે ધીરે શું હાલત થઈ રહી છે તેનો આ ઘટના પુરાવો છે. અમેરિકા ધીરે ધીરે માનસિક રોગી દેશ બની રહ્યો છે તેનો આ પુરાવો છે. અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે તેનું કારણ માનસિક સંતાપ છે એવું મનોવિજ્ઞાનીઓ કહે છે. અમેરિકાએ પૈસાના જોરે ભૌતિક સવલતો ઊભી કરી દીધી પણ તેના કારણે માનસિક સંતાપ પણ ભેટમાં મળ્યો છે. અમેરિકામાં એટલી બધી ભૌતિક સવલતો મળે છે કે લોકોને કશું પૂરતું લાગતું જ નથી. એટલું જ નહીં પણ તેમાં જરાક ઓટ આવે કે તરત લોકોનું ખસવા માંડે છે.

અમેરિકામાં ગન કલ્ચરનો પ્રભાવ તો પહેલેથી છે જ ને તેમાં આ માનસિક રોગો વધી રહ્યા છે તેથી વધુ ને વધુ અમેરિકનો હતાશાનો ભોગ બની રહ્યા છે. આ હતાશા અમેરિકાના સમાજને સેલ્ફી ડીસ્ટ્રક્ટિવ મોડ તરફ ધકેલી રહી છે. મોટા ભાગનાં લોકો ઘરોમાં કે આસપાસ ગુસ્સો કાઢીને હતાશા બહાર કાઢી દે છે પણ કાર્ડ જેવાં લોકોની હતાશા એ હદે પ્રબળ હોય છે કે તેને દબાવી શકાતી નથી. કાર્ડે જેવાં જે પણ લોકો પાસે ગન્સ છે તેમાંથી મોટા ભાગનાં લોકો હતાશા બહાર કાઢવા ગન્સનો સહારો લે છે તેથી છેવટે આવા હત્યાકાંડ થાય છે.

કાર્ડ માનસિક રોગી છે એવું પોલીસનો રેકોર્ડ કહે છે. ૪૦ વર્ષના નિવૃત્ત લશ્કરી અધિકારી કાર્ડની ભૂતકાળમાં ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં ધરપકડ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં કાર્ડને માનસિક તકલીફો શરૂ થઈ ગઈ હતી. તેને ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા કે જેના કારણે તે ગુસ્સે થઈ જતો હતો. તેને આસપાસના અવાજો પસંદ નહોતા અને તેના કારણે તે એ હદે રિએક્ટ કરતો કે સાવ પાગલની જેમ વર્તતો હતો. કાર્ડે સાકોમાં આવેલા મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં હુમલો કરવાની ધમકી પણ આપી પછી તેને બે અઠવાડિયા માટે માનસિક સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવારની તેના પર કોઈ અસર થઈ હોય એવું લાગતું નથી.

અમેરિકામાં એક વર્ગ માને છે કે, અમેરિકામાં આવા હત્યાકાંડ રોકવા હોય તો ગન કલ્ચર પર નિયંત્રણ જરૂરી છે. આ વાત સાચી પણ છે કેમ કે ગન કલ્ચરના કારણે કાર્ડ જેવા માનિસક રોગીઓને લોકોને મારવા માટે હાથવગાં હથિયાર મળી રહે છે. આ હથિયાર હાથવગાં ના હોય તો કાર્ડ જેવા લોકો પોતાની હતાશા કોઈના પર નહીં કાઢે એવું થવાનું નથી પણ ગણતરીની મિનિટોમાં ૨૨ લોકોને મારી નાંખે એવા હત્યાકાંડ પણ ના સર્જી શકે એ વાસ્તવિકતા છે.

અમેરિકાનું ગન કલ્ચર કેટલું ખતરનાક છે તેનો અંદાજ ભારતમાં નથી કેમ કે ભારતમાં હથિયારો રાખવાં એ ગુનો છે. સ્વરક્ષણ માટે હથિયાર રાખવું હોય તો તેના માટે લાયસંસ લેવું પડે. હથિયારોનું લાયસંસ લેવા નાણાં ખર્ચવાં પડે છે તેથી બહુ વગદાર લોકોને હથિયારોનાં લાયસંસ મળતાં હોય છે. ભારતમાં એ રીતે સામાન્ય લોકો માટે હથિયાર રાખવું કપરું છે.

અમેરિકામાં ઉલટી સ્થિતિ છે. અમેરિકામાં બંધારણીય રીતે જ લોકોને હથિયારો રાખવાનો અધિકાર છે. અમેરિકામાં ગમે તે વ્યક્તિ હથિયાર રાખી શકે છે. અમેરિકામાં દરેક રાજ્યમાં પોતપોતાના કાયદા છે પણ મોટા ભાગનાં રાજ્યોમાં હથિયારો રાખવાના કાયદા હળવા છે. માત્ર છ રાજ્યોમાં થિયારો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. બાકીનાં રાજ્યોમાં પ્રતિબંધ નથી તેના કારણે દુનિયામાં સામાન્ય નાગરિકો પાસે કુલ ૮૦ કરોડ હથિયારો છે તેમાંથી અડધોઅડધ એટલે કે લગભગ ૪૦ કરોડ હથિયારો તો અમેરિકનો પાસે જ છે. અમેરિકાની વસતી ૩૫ કરોડની આસપાસ છે અને ૪૦ કરોડ હથિયારો છે એ જોતાં કહી શકાય કે અમેરિકામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની પાસે ખાનગી હથિયાર ના હોય. અમેરિકામાં ગન કલ્ચર સામે લોકોમાં આક્રોશ છે પણ તેને નાબૂદ કરવું શક્ય નથી. તેની સાથે અબજો રૂપિયાની ઈકોનોમી સંકળાયેલી છે તેથી બધા ગન કલ્ચરને અંકુશમાં મૂકવાની વાતો કરે છે પણ કાબૂ મેળવી
શકતા નથી.

અમેરિકા ગન કલ્ચર પર કાબૂ નહીં મેળવે તો આ રીતે લોકો મર્યા કરશે કેમ કે અમેરિકા અત્યારે આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. લોકોમાં હતાશા વધી રહી છે ને ધીરજ ખૂટી રહી છે તેની કિંમત નિર્દોષ લોકો ચૂકવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button