સતી સાવિત્રી ને યમરાજા…

મનન -હેમંત વાળા
પહેલાં વિજ્ઞાનની વાત. આધુનિક વિજ્ઞાન માને છે કે વિચારો દ્વારા અન્યના વર્તનને, અન્યના વિચારને પ્રભાવિત કરી શકાય. આમ વિજ્ઞાન કહે છે. આ માન્યતા ન હોઈ શકે. વિજ્ઞાન જણાવે છે કે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે ચોક્કસ પ્રકારના સઘન વિચારો અન્યની મનોદશા, વર્તન, બોલી, પ્રતિભાવ, ઊર્જા-સ્તર, વિચારો, માનસિક ક્ષમતા તથા તત્કાલીન સમજશક્તિ પર અસર કરી શકે. આ અસરની માત્રા પરિસ્થિતિ તથા વિચારકના વિચારોની દ્રઢતા પર આધાર રાખે. જો વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય, પોતાના વિચારો નિર્વિકલ્પ રાખવા સક્ષમ હોય, તેનું સમગ્ર અસ્તિત્વ હકારાત્મકતાથી ભરેલું હોય, અભિવ્યક્તિમાં ઉચ્ચકક્ષાની સ્પષ્ટતા હોય, વિચારોનાં પરિપ્રેક્ષ્યમાં પરિસ્થિતિને યથાર્થ રીતે સમજવાની ક્ષમતા હોય, ક્યાંય કોઈપણ પ્રકારની શંકા કે અવિશ્વાસ ન હોય તો વ્યક્તિના વિચારો ચોક્કસ અસર કરે. વિજ્ઞાન એમ પણ કહે છે કે આ અસર સજીવ વ્યક્તિ પર પણ હોઈ શકે અને નિર્જીવ પદાર્થ પર પણ હોઈ શકે.
ન્યુરો સાયન્સના આધુનિક સંશોધન અનુસાર મનની શક્તિ ખૂબ પ્રભાવી તેમજ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરી શકાય તેવી બાબત છે. મનને લગતું વિજ્ઞાન એમ જણાવે છે કે વિચારો થકી અન્યના વિચારો ઉપરાંત અન્યની ભાવના, તેમનું સ્વાસ્થ્ય તેમજ તેમનાં વર્તનને પ્રભાવિત કરી શકાય. નવી ક્ષમતા વિકસાવી શકાય, પ્લેસિબો અસર હેઠળ સારાપણાંનો – સુધારાનો ભાવ દ્રઢ કરી શકાય, મેડિટેશન દ્વારા સ્મૃતિ, સર્જનાત્મકતા, શાંતિ અને શ્રદ્ધા પણ વધુ દ્રઢ બનાવી શકાય અને સાથે સાથે સબકોન્શિયસ માઈન્ડ અર્થાત અવચેતન મન દ્વારા અકલ્પનીય પરિણામ પણ આવી શકે. આ બધું સ્વયં માટે પણ થઈ શકે અને અન્યને પણ આ બધી રીતે અસરગ્રસ્ત કરી શકાય.
વિજ્ઞાન જણાવે છે કે વ્યક્તિ જે વિચારે છે તે વિચાર અન્ય લોકો પર પ્રભાવ પાડી શકે. વ્યક્તિમાં પ્રવર્તમાન ઊર્જા આસપાસના લોકો પર અસર છોડી શકે. ‘સૌમ્ય સંચાર’ના સિદ્ધાંત પ્રમાણે, વ્યક્તિની ભાવના અન્ય માટે પ્રભાવક બની શકે. જો ચિંતન પ્રબળ હોય તો વ્યક્તિના વિચારો ટેલીપથી દ્વારા અન્ય સુધી, જેમ છે તેમ, પહોંચી પણ શકે. ટેલીપથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પરીક્ષણ કરવામાં આવી છે, ખાસ કરીને મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ ક્ષેત્રે, અને ક્યાંક તેનાં પ્રોત્સાહક પુખ્ત પુરાવા પ્રાપ્ત પણ થયાં છે. વિજ્ઞાનની એક શાખા, બ્રેઇન કમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીમાં મગજના સિગ્નલ વડે કમ્પ્યુટરને સંચાલિત કરવામાં આવે છે.
સામાજિક વ્યવહારમાં પણ એ સિદ્ધ થયું છે કે સકારાત્મક દ્રઢ વિચારોથી સહકર્મી વધુ મદદરૂપ થઈ શકે, સંતાનો સારા માર્ગે જઈ શકે, અનુયાયી આજ્ઞાંકિત બની શકે અને સમગ્રતામાં વધુ સકારાત્મક સ્થિતિ સર્જાઇ શકે. જો એક જ પ્રકારના સકારાત્મક વિચારો લાંબા સમય સુધી જળવાઈ રહે તો તેની સકારાત્મક અસર ચોક્કસ સ્થાપિત થાય. વ્યક્તિના વિચારોની અસર અને તેનો પ્રભાવ મહદઅંશે સામેવાળી વ્યક્તિની માનસિક શક્તિ પર આધાર રાખે. સામેવાળી વ્યક્તિની માનસિક શક્તિ જેમ ઓછી તેમ અન્યના વિચારોની અસર પ્રબળ બનતી જાય. એકંદરે એમ કહી શકાય કે આધુનિક વિજ્ઞાન પણ માન્યતા આપે છે કે મનની શક્તિ ખૂબ જ પ્રભાવશાળી છે અને તે વિવિધ પરિસ્થિતિ પર, વિવિધ માત્રામાં, વિવિધ પ્રકારની અસર કરી શકે.
સત્યવાન-સાવિત્રીની વાત વિજ્ઞાનના આ તારણના સંદર્ભમાં સમજી શકાય. એમ કહેવાય છે કે સત્યવાનનું મૃત્યુ થયાં બાદ, સતી સાવિત્રી યમરાજાની પાછળ પાછળ જાય છે. પછી વરદાનોની વાત આવે છે પરંતુ અંતે તે યમરાજા પાસેથી પોતાના પતિને જીવંત પરત લાવે છે. યમરાજા પાછળ શરીર સાથે જવું અશક્ય જણાય છે. એમ લાગે છે કે અહીં સાવિત્રીની દ્રઢ મનોશક્તિએ પરિણામ આપ્યું હશે. સાવિત્રી એ પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના પતિના જીવન માટે એટલાં સઘન વિચારો કર્યા હશે કે તેની અસર યમરાજા પર થઈ હોય.
સાવિત્રીના દ્રઢ વિચાર યમરાજાને અનુસર્યા હશે. સાવિત્રીના નિર્વિકલ્પ વિચારો પોતાના પતિ સાથે જિંદગી જીવવાના હશે. પોતાની સફળતા માટે સાવિત્રી આત્મવિશ્વાસથી ભરપૂર હશે અને તે મુજબના જ તેને વિચારો આવતા હશે. સાવિત્રીને એ પણ ખાતરી હશે કે પોતાની સાત્ત્વિકતા, ધાર્મિકતા, ભક્તિ, પતિવ્રતાપણું, તથા ધર્મ માટેની શ્રદ્ધા ક્યારેય નિષ્ફળ નહીં જાય. સાવિત્રીને પૂરેપૂરી ખાતરી હશે કે નિયતિ તેને નિરાશ નહીં કરે અને નિયતિ યમરાજાને તે પ્રમાણે અપવાદ સર્જવાનું પ્રોત્સાહન આપશે જ. પોતાની સાત્ત્વિકતાને આધારે સાવિત્રીને ઈશ્વરના ન્યાય પર પણ વિશ્વાસ હશે. આ બધાંને કારણે સતી સાવિત્રીના વિચારો એટલાં દ્રઢ હશે કે તેની અસરથી યમરાજા પણ મુક્ત નહીં રહી શક્યાં હોય.
સાવિત્રીનો પોતાનો અભૂતપૂર્વ આત્મવિશ્વાસ, પોતાના સતીત્વમાં અપાર શ્રદ્ધા, પોતાની સાત્વિકતામાં નિસંદેહતા, પોતાની પવિત્રતામાં વિશ્વાસ, પોતાની ઈચ્છા માટે અન્ય કોઈ વિકલ્પનો અભાવ, પત્નીના ઉત્તરદાયિત્વના નિભાવ માટે પોતાની કૃતનિશ્ર્ચયતા અને સૃષ્ટિમાં ધર્મની આણ પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રવૃત્ત હોવાની તેની ખાતરી થકી એક વિશેષ પ્રકારના સઘન વિચારનું પ્રાગટ્ય થયું હશે. આ વિચાર સાથે યમરાજાની કરુણા અને ઈશ્વરના ન્યાય માટેની સકારાત્મક ભાવના પણ જોડાયેલી હશે. સાવિત્રીની આ વૈચારિક શક્તિ ચોક્કસ રીતે યમરાજાને પ્રભાવિત કરી ગઈ હશે.
શરીરથી નહીં, મનથી તે યમરાજાની પાછળ ગયાં હશે. શબ્દોથી નહીં, વિચારોથી તેમણે યમરાજા સમક્ષ માગણી મૂકી હશે. વર્તનથી નહીં પણ વિચારોથી તેમણે યમરાજાનાં અન્ય પ્રલોભનો નામંજૂર કર્યા હશે. સતી સાવિત્રીના વિચારોની પ્રબળતાથી યમરાજા પ્રભાવિત થયા હશે અને અંતે સત્યવાન જીવંત થયા હશે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ આ શક્ય છે. પ્રશ્ન માત્ર યમરાજાનો છે. યમરાજાના અસ્તિત્વને જીવંત શક્તિ અથવા એક વ્યવસ્થાના ભાગ તરીકે પણ લેવામાં આવે તો તે પ્રશ્નનું પણ નિરાકરણ થઈ જાય.
આપણ વાંચો : આપણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર વાસ્તુ, પૂજાપાઠ કોઈ વિદ્વાન આચાર્ય પાસે કરાવીને જ ગૃહપ્રવેશ કરીશું…