જાન્યુઆરીમાં લોન્ચ થશે વિક્રમ-1, જાણો સાત માળના આ રોકેટની શું છે ખાસિયતો..

ભારત અવકાશ ક્ષેત્રે સતત ઈતિહાસ રચી રહ્યું છે. દેશની રાષ્ટ્રીય અવકાશ એજન્સી ISRO દ્વારા ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ દેશના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ-1નું લોન્ચિંગ થયું, અને આ ટ્રેન્ડને આગળ વધારતા હવે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ પણ વિક્રમ-1 રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
ભારતીય સ્ટાર્ટ અપ સ્કાયરૂટ દક્ષિણ હૈદરાબાદમાં જીએમઆર એરોસ્પેસ અને ઔદ્યોગિક પાર્કમાં વિક્રમ-1 રોકેટનું અનાવરણ કર્યું. આ દરમિયાન વિજ્ઞાન અને ઔદ્યોગિક બાબતોના પ્રધાન જીતેન્દ્ર સિંહે સ્કાઇરૂટના નવા મુખ્યાલય ‘ધ મેક્સ-ન્યુ કેમ્પસ’નું પણ ઉદ્ઘાટન કર્યું.
આ તકે જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત હવે અવકાશ ક્ષેત્રે અન્ય દેશોનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં છે. સ્કાયરૂટ સંસ્થા ટૂંક જ સમયમાં વિક્રમ-1 ઓર્બિટલ લોન્ચ વ્હીકલનું પ્રક્ષેપણ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વિક્રમ-1 એક નાનું લોન્ચ વ્હીકલ છે જે 480 કિલોગ્રામ સુધીના પે લોડને અવકાશમાં 500 કિમીની ઉંચાઇ સુધી લઇ જઇ શકશે. તેનો હેતુ નાના ઉપગ્રહને લોન્ચ કરવાનો છે. ISROના જનક વિક્રમ સારાભાઇના નામ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે. વિક્રમ સિરીઝના કુલ 3 લોન્ચ વ્હીકલ બની રહ્યા છે. વિક્રમ-2 595 કિલોગ્રામ સુધીના પે લોડને લઇ જશે જ્યારે વિક્રમ-3 815 કિલોગ્રામ સુધીના પે લોડને લઇ જશે.
આ રોકેટની મુખ્ય ખાસિયત એ છે કે તે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ધરાવે છે અને ખૂબ જ સરળતાથી નજીવા ધક્કાથી તે અવકાશમાં છુટૂં પડવાની ક્ષમતા ધરાવે છે. આર્થિક દ્રષ્ટિએ તે ઓછું ખર્ચાળ છે. બંધ પડ્યા બાદ ફરી સ્ટાર્ટ થવાની ક્ષમતા ધરાવે છે. કોઇપણ લોન્ચ સાઇટ વડે તેને એસેંબલ અને લોન્ચ કરી શકાય છે.
સ્કાયરૂટના સીઇઓ ભરત ઢાકાએ કહ્યું કે વિક્રમ-1 અવકાશ પ્રક્ષેપણ યાનનું અનાવરણ એ તેમના માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે વિક્રમ-1ના નિર્માણમાં અમારી ડિઝાઇન ક્ષમતા અને અત્યાધુનિક સ્થાનિક ટેક્નોલોજી અભિન્ન અંગ રહ્યું છે. તેને 2024ની શરૂઆતમાં લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
ISROના 2 પૂર્વ એન્જિનિયરો પવન કુમાર ચંદાના અને ભરત ઢાકાએ 2018માં સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ચંદાનાએ આઈઆઈટી ખડગપુર અને ભરત ઢાકાએ આઈઆઈટી મદ્રાસમાંથી અભ્યાસ કર્યો છે. ISROમાં ચંદનાએ દેશના સૌથી મોટા રોકેટ GSLV MK-3 જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જ્યારે ઢાકાએ ISROમાં ફ્લાઈટ કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે તમામ મહત્વના હાર્ડવેર અને સોફ્ટવેર પર કામ કર્યું હતું. સ્કાયરૂટએ પહેલું એવું સ્ટાર્ટઅપ છે જેણે રોકેટ બનાવવા માટે ISRO સાથે એમઓયુ કર્યા હતા.