ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…

અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજી પણ ગરમી પડી રહી છે. રાજયમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ગત મોડી રાતથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં મોડી સાંજે 40 કિલોમીટરથી ઝડપે પવન ફુંકાયો હતો. તેમજ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડ્યો હતો. જેના લીધે વાતાવરણ ઠંડક પ્રસરી છે. વડોદરામાં પણ ગત મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ વાદળછાયુ વાતાવરણ છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ રવિવારે રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વેરાવળમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છ અને દીવમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ પવન સાથે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચહમલા, દાહોદ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.