ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત PM મોદી ગુજરાતના પ્રવાસે, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ…

અમદાવાદઃ આજથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ પ્રવાસની વાત કરવામાં આવે તો, આજે ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયા વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે. જેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરાના રોડ શો દરમિયાન કર્નલ સોફિયાનો પરિવાર પણ હાજરી આપશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આજે પીએમ મોદી 4 શહેરમાં 3 રોડ શો અને 2 જાહેરસભા યોજશે. સવારના 10થી 7 વાગ્યા સુધી સતત તેઓ વ્યસ્ત રહેવાના છે.

ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરમાં દાહોદ જશે પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સવારે 10 વાગ્યા આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આગમત થશે. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો રોડ શો કરશે. વડોદરામાં માત્ર 20 મિનિટ રોકાશે, વડોદરાથી તેઓ 10.30 વાગ્યે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરમાં સવાર થઇ દાહોદ જવા રવાના થશે. દાહોદ 11.20 વાગ્યે પહોંચશે. રસ્તામાં દેશપ્રેમી નાગરિકોનું અભિવાદન ઝીલતા તેઓ રેલવે કારખાને પહોંચશે. અહીં અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કરશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરતું અને ભારતમાં જ બનેલે પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરશે.
ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધી દોઢ કિલોમીટરનો રોડ શો
પીએમ મોદી 12 વાગ્યે ડોકી સ્થિત સભા સ્થળે પહોંચશે. અહીં વડાપ્રધાન 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી બપોરે ભુજ પહોંચશે. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજશે. જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. રોડ શો બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
27મેની સવારે ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો
ભુજથી સાંજે 6.30 વાગ્યે અમદાવાદ આવશે. અહીં અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી વડા પ્રધાન મોદીને ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલથી છેક ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેથી અમદાવાદ ખાતે પણ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રોડ શો બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 27મેની સવારે PM મોદી ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજશે. રૂટની વાત કરવામાં આવે તો, પુનિત વન, જિલ્લા પંચાયત, અખબાર ભવન અને ઉદ્યોગ ભવન સુધી આ રોડ શો યોજાશે. આ દરમિયાન તેઓ તેઓ 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આપણ વાંચો : કચ્છઃ માંડવીના ઉદ્યાનમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર બનાવાયેલું વોલ પેઇન્ટિંગ બન્યું આકર્ષનું કેન્દ્ર