દિવાળીના તહેવારોની તારીખો ને ચોઘડીયા વિશે જાણી લો ને શરૂ કરી દો તૈયારી
દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસોમાં આવશે. નવરાત્રીમાંથી નવરા થઈને હવે તમે સાફસફાઈ શોપિંગ અને નાસ્તામાં પડી જશો ત્યારે દિવાળીના સપરમાં દિવસોએ ક્યારે કેવા ચોઘડીયા છે તે જાણી લો જેથી તમે પણ તમારું ટાઈમટેબલ સેટ કરી લો. દિવાળી માત્ર ઉજવણી નહીં પણ ભક્તિભાવનો પણ પર્વ છે આથી મૂહુર્ત સચવાય તે જરૂરી છે.
આમ તો લોકો અગિયારસથી દિવાળીના મૂડમાં આવી જાય છે. પણ પાંચ દિવસની વાત કરીએ તો દિવાળીનો પાંચ દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે.
આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના રોજ છે. તે બાદ આવે છે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ અથવા છોટી દિવાળી જે ધનતેરસના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે છોટી દિવાળી 11 નવેમ્બર 2023ના રોજ છે. તે બાદ દિવાળીનો દિવસ આવશે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. દિવાળી કારતક માસની અમાસના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાસ 12 નવેમ્બર 2023ના રોજ બપોરે 02:44 વાગ્યે શરૂ થશે અને 13મી નવેમ્બર 2023ના રોજ બપોરે 02:56 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં દિવાળી પર લક્ષ્મીની પૂજા કરવી યોગ્ય માનવામાં આવે છે. તેથી, દિવાળીનો તહેવાર 12 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે.
દિવાળી ગણેશ-લક્ષ્મી પૂજન મુહૂર્ત 2023: દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા માટેનો શુભ સમય 12મી નવેમ્બરે સાંજે 05:40 થી 07:36 સુધીનો છે. લક્ષ્મી પૂજા માટે મહાનિષિત કાલ મુહૂર્ત બપોરે 11:39 થી 12:31 સુધી રહેશે. શુભ સમયે ગણેશ-લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ગોવર્ધન પૂજા 2023: ગોવર્ધન પૂજાનો તહેવાર સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. ગોવર્ધન પૂજા કારતક મહિનાની પ્રતિપદા તિથિએ થાય છે. આ વર્ષે ઉદયતિથિમાં ગોવર્ધન પૂજા 14 નવેમ્બર 2023ના રોજ છે. આ વર્ષે ભાઈ બીજ 14 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ જોતા 13મીએ ધોકો છે. જોકે ઘણીવાર રાજ્ય રાજ્યમાં કે અમુક સંપ્રદાયમાં તહેવારોની તિથિને લઈને વિવિધતા જોવા મળે છે. તમે પણ તમારા પંડિતજીને પૂછી લો ને શરૂ કરી દો તૈયારી.