મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા પીએમ મોદીએ કોના પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું એની સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની પરોક્ષ રીતે ટીકા કરી હતી. ખેડૂતોના સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક વરિષ્ઠ નેતા કેન્દ્ર સરકારમાં વર્ષો સુધી કૃષિ પ્રધાન રહ્યા હતા. જોકે, હું તેમનું વ્યક્તિગત રીતે સન્માન કરું છું, પરંતુ તેમણે ખેડૂતો માટે શું કર્યું. એવા સવાલો કર્યા હતા.
સાત વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને દેશના ખેડૂતો માટે સાડા ત્રણ લાખ કરોડ રુપિયાના એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) પર અનાજની ખરીદી કરી હતી, જ્યારે અમારી સરકારે સાત વર્ષમાં એમએસપીના રુપે આટલા સમયમાં 13.50 લાખ કરોડ રુપિયા ખેડૂતોને આપ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે 2014 અગાઉ એમએસપી પર ફક્ત રુપિયા 500-600 કરોડના કઠોળ અને તેલીબિયાં ખરીદવામાં આવતા હતા, જ્યારે અમારી સરકારે રુપિયા એક લાખ પંદર હજાર કરોડથી વધુ કઠોળ અને તેલીબિયાં ખેડૂતોના બેન્ક ખાતામાં આપ્યા છે.
જ્યારે શરદ પવાર કૃષિ પ્રધાન હતા ત્યારે ખેડૂતોને મિડલ પર્સન પર નિર્ભર રહેવું પડ્તું હતું. મહિનાઓ સુધી ખેડૂતોને પેમેન્ટ મળતું નહોતું. પણ અમારી સરકારે એમએસપીના પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવાની વ્યવસ્થા કરી છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે. આજે સૌથી પહેલા તેઓ શિરડી પહોંચ્યા હતા અને સાંઈ મંદિરમાં પૂજા કરી હતી. આ ઉપરાંત નીલબંધે ડેમનું જળ પૂજન પણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આજે 7500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા, જ્યારે આજે 37મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન ગોવા જશે.