પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…

આણંદ: ગુજરાતના રાજ્યપાલ (Gujarat Governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) પોતાની સાદગી જીવનશૈલીના કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની એસ.ટી. બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોંચ્યા હતા.
રાજભવનથી સીધા એસ.ટી. ડેપો પહોંચ્યા રાજ્યપાલ
આણંદની આ મુસાફરી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઑનલાઇન એડવાન્સ બુકિંગ દ્વારા વિસનગરથી આણંદ રૂટની નોન-એસી સુપર ડિલક્સ શ્રેણીની એસ.ટી. બસમાં ત્રણ ટિકિટ બુક કરાવી હતી. આજે સવારે 7:20 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કોઈ પૂર્વ સૂચના વિના રાજભવનથી સીધા ગાંધીનગર એસ.ટી. ડેપો પહોંચ્યા હતા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરો સાથે આ બસમાં બેઠા હતા. આ બસ બસ નિર્ધારિત રૂટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદના રાણીપ, ગીતામંદિર વગેરે થઈને સવારે 10:15 વાગે આણંદ એસ.ટી. બસ સ્ટેશન પર પહોંચી હતી.
આ પણ વાંચો: ભૌતિક ઉન્નતિના માર્ગે આપણે પ્રકૃતિનું ભયંકર રીતે કર્યું છે શોષણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત…
લાંબા સમયથી મારી ખુબ ઈચ્છા હતી
આ સફર દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બસમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, “લાંબા સમયથી મારી ખુબ ઈચ્છા હતી કે એક દિવસ હું ગુજરાત રોડવેઝની સામાન્ય બસમાં, સામાન્ય નાગરિકો સાથે મુસાફરી કરું. આજે સવારે 7:20 વાગ્યે ગાંધીનગરથી નીકળી અને આશરે 10:15 વાગ્યે આણંદ પહોંચ્યો. આ યાત્રા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોના ભાઈ-બહેનો સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળ્યો.”
આ પણ વાંચો: ‘આજે નહીં તો કાલે, પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે’: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
બસ સ્ટેશન પર કરાયું સ્વાગત
આણંદ એસ.ટી. સ્ટેશન પર જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે. બી. કથીરીયા તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત કર્યું હતું.