એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઇતિહાસઃ બનાવ્યો આ વિક્રમ
હોગઝોઉઃ ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન પેરા ગેમ્સ (શારીરિક યા દિવ્યાંગ)માં ભારતીય ખેલાડીઓએ ગુરુવારે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સની જેમ એશિયન પેરા ગેમ્સમાં પણ સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલની સંખ્યા 81 થઈ ગઈ, જેમાં 18 ગોલ્ડનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવવા માટે ભારતીય ખેલાડીઓના સમર્પણ, દ્રઢતા અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર લખ્યું હતું કે આ ટ્રેન્ડ જાળવી રાખવામાં આવી રહ્યો છે! મોદીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ અવસર ભારતીય ખેલાડીઓના સંકલ્પનું પ્રતિક છે. અગાઉ ભારતે 2018માં ઈન્ડોનેશિયામાં 72 મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે એશિયન પેરા ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં 18 ગોલ્ડ, 23 સિલ્વર અને 40 બ્રોન્ઝ સહિત કુલ 81 મેડલ જીત્યા છે.
ગેમ્સમાં બે દિવસ બાકી છે ત્યારે ભારત હાંગઝોઉ ગેમ્સમાં 100 મેડલ જીતવાના લક્ષ્યને હાંસલ કરવાના ટ્રેક પર છે. જાકાર્તામાં ગત પેરા એશિયન ગેમ્સમાં ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ સહિત 72 મેડલ જીત્યા હતા.
ગુરુવારે પુરુષોની એફ46 શોટ પુટ ઇવેન્ટમાં સચિન સર્જેરાવે 16.03 મીટરના ગેમ્સના રેકોર્ડ થ્રો સાથે ભારતને દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. રોહિત કુમારે 14.56 મીટરના પ્રયાસ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.